Sukhdev Singh Gogamedi: રાજસ્થાનમાં ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે મુખ્યમંત્રી કોણ હશે તેના પર ચર્ચા ચાલી રહી છે. પરંતુ આ દરમિયાન જયપુરમાં મંગળવારે એક મોટો હત્યાકાંડ થયો. બે હુમલાખોરોએ શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની તેમના ઘરમાં ઘૂસીને હત્યા કરી નાખી હતી. હુમલાખોરોએ જે બેખૌભ અંદાજમાં આ હત્યાકાંડને અંજામ આપ્યો, તેનાથી અતીક અહેમદ અને અશરફ કાંડની યાદો તાજી થઈ ગઈ.
ADVERTISEMENT
ગોગામેડીના સમર્થકોમાં આક્રોશ
આ સનસનાટીભર્યા હત્યાકાંડ બાદ જયપુરમાં ગોગામેડીના સમર્થકો ગુસ્સે ભરાયા છે અને હુમલાખોરોની ધરપકડ અને એન્કાઉન્ટર માટે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તેને ધ્યાનમાં રાખીને કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ દરમિયાન રાજપૂત કરણી સેના સહિત અન્ય કેટલાક સંગઠનોએ આજે (બુધવારે) રાજસ્થાન બંધનું એલાન આપ્યું છે. સંગઠનોની માંગ છે કે હત્યારાઓનું એન્કાઉન્ટર કરવામાં આવે.
હત્યારાઓનું એન્કાઉન્ટર બાદમા શપથ
જયપુરમાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા સામે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે. કરણી સેનાએ માંગ કરી છે કે જ્યાં સુધી વડાપ્રધાન નહીં આવે ત્યાં સુધી અંતિમ સંસ્કાર નહીં થાય. મહિપાલસિંહ મકરાણાએ કહ્યું કે ‘જ્યાં સુધી સુખદેવસિંહ ગોગામેડીની હત્યારાઓનું એન્કાઉન્ટર નહીં કરવામાં આવે ત્યાં સુધી અમે રાજસ્થાનના નવા મુખ્યમંત્રીને શપથ લેવા દઈશું નહીં.’
પોલીસે કરી કડક નાકાબંધી
કોંગ્રેસ નેતા પ્રતાપ સિંહ ખાચરિયાવાસે કહ્યું છે કે, હવે સમય આવી ગયો છે કે પોલીસ આવા ગુનેગારોનું એન્કાઉન્ટ કરી નાખે, હાલ બંને આરોપીઓ ફરાર છે, પોલીસ તેઓને શોધી રહી છે. ડીજીપીના જણાવ્યા અનુસાર, આરોપીઓને શોધવા માટે પોલીસ કડક નાકાબંધી કરીને સંભવિત ઠેકાણાઓ પર દરોડા પાડી રહી છે. લોકોને ધીરજ અને શાંતિ જાળવવા અપીલ કરતાં તેમણે પોલીસને ખાસ તકેદારી રાખવા અને સુરક્ષા વધારવા સૂચના આપી છે.
ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન
ગોગામેડી પર હુમલાની આખી ઘટના ઘરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થઈ ગઈ હતી. ગોગામેડીની હત્યા બાદ સમર્થકોએ જયપુર, જોધપુર, અલવર, ચુરુ, ઉદયપુરમાં ગુનેગારોની ધરપકડની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. સમર્થકોની એક જ માંગ છે કે હત્યારાઓનું એન્કાઉન્ટર કરવામાં આવે.
રાજ્યપાલે પોલીસને આપી કડક સૂચના
આ ઘટના બાદ રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્રાએ પોલીસને ગુનેગારો સામે કડક અને અસરકારક કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો હતો. રાજ્યપાલે કહ્યું કે ગુનેગાર કોઈપણ હોય તેની સામે કડક કાર્યવાહી થવી જોઈએ. મહત્વનું છે કે, ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલા રોહિત ગોદારાએ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી પોસ્ટમાં ગોગામેડીની હત્યાની જવાબદારી લીધી છે.
કોણ છે રોહિત ગોદારા?
રોહિત ગોદરાએ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યાની જવાબદારી લીધી છે. કહેવામાં આવી રહ્યું છે કે તેણે 19 વર્ષની ઉંમરમાં ગુનાખોરીની દુનિયામાં પગ મુક્યો હતો. તે અત્યાર સુધીમાં 15 વખત જેલમાં જઈ ચૂક્યો છે. રોહિત ગોદારા બીકાનેરના કાલુ પોલીસ સ્ટેશનનો મોસ્ટ વોન્ટેડ છે.
ગોદરાની ગેંગમાં 150 ગુનેગારો છે. તે અને તેના સાગરિતો રાજસ્થાન ઉપરાંત હરિયાણા અને પંજાબમાં પણ ગુનાખોરીને અંજામ આપે છે. તેની સામે 32થી વધુ ગુનાહિત કેસ નોંધાયેલા છે. તેનું નામ સિદ્ધુ મુસેવાલા મર્ડર કેસમાં પણ સામે આવ્યું છે.
પોલીસે ગોદરા સામે રેડ કોર્નર નોટિસ પણ જારી કરી હતી. તેના પર 1 લાખ રૂપિયાનું ઈનામ પણ છે. 2022માં તેણે ગેંગસ્ટર રાજુ ઠેહતની હત્યાની જવાબદારી પણ લીધી છે.
ADVERTISEMENT