સહારા ઈન્ડિયા ગ્રુપના વડા સુબ્રત રોયનું મંગળવારે નિધન થયું છે. તેમણે મુંબઈમાં અંતિમ શ્વાસ લીધા. તેઓ 75 વર્ષના હતા. આપને જણાવી દઈએ કે સહારા પરિવારના વડા સુબ્રત રોય લાંબા સમયથી ગંભીર બીમારીથી પીડાતા હતા. તેમની મુંબઈની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. બુધવારે તેમના પાર્થિવ દેહને લખનઉના સહારા શહેરમાં લાવવામાં આવશે, જ્યાં તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે.
ADVERTISEMENT
‘સહારશ્રી’ના નામથી જાણીતા હતા સુબ્રત રોય
સહારાશ્રીના નિધન પર સહારા ઈન્ડિયા પરિવારે શોક વ્યક્ત કર્યો છે. બીજી તરફ તેમના નિધનથી બિહારના અરરિયામાં પણ શોકનો માહોલ છે. સુબ્રત રોયનો જન્મ 10 જૂન 1948ના રોજ બિહારના અરરિયામાં થયો હતો. તેઓ ભારતના અગ્રણી ઉદ્યોગપતિ હતા અને સહારા ઈન્ડિયા પરિવારના ફાઉન્ડર હતા. તેઓને દેશભરમાં ‘સહારશ્રી’ના નામથી પણ ઓળખવામાં આવતા હતા.
અરરિયા સાથે જોડાયેલી છે સુબ્રત રોયની યાદો
સુબ્રત રોયની યાદો બિહારના અરરિયા સાથે જોડાયેલી છે. મોટી ઉંમરના લોકો આજે પણ સુબ્રત રોય સાથે જોડાયેલી વાતો ખૂબ યાદ કરે છે. 10 જૂન 1948ના રોજ જન્મેલા સુબ્રત રોયને ઓળખનારા લોકોની બિહારમાં કોઈ કમી નથી. અરરિયાના આશ્રમ રોડ પર તેમનું ઘર છે. જોકે, હવે ત્યાં કોઈ રહેતું નથી. તેમનું પૈતૃક મકાન કેરટેકરના હાથમાં છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે પહેલા તેમના ઘર સુધી પહોંચવા માટે કોઈ રસ્તો નહોતો. બાદમાં સુબ્રત રોયે પોતાના ખર્ચે રસ્તો બનાવડાવ્યો હતો. લોકોનું કહેવું છે કે તેમના દાદાનું ઘર પણ આશ્રમ રોડ પર છે. સુબ્રત રોયના પિતા સુધીર ચંદ્ર રોય સિવિલ એન્જિનિયર હતા.
SBIએ લોન આપવાનો કર્યો હતો ઈનકાર
અરરિયામાં જન્મેલા સુબ્રત રોય કોલકાતા થઈને ગોરખપુર પહોંચ્યા હતા. ખરેખર, સુબ્રત રોયે કોલકાતામાં શાળાકીય અભ્યાસ કર્યો હતો. જે બાદ તેઓ સરકારી કોલેજમાંથી એન્જિનિયરિંગ કરવા માટે ગોરખપુર પહોંચ્યા હતા. જ્યાં ભણવામાં મન ન લાગ્યું ત્યારે તેમણે ગોરખપુરમાં જ નાનુ-મોટું કામ કરવાનું શરૂ કર્યું. તેઓ સ્કૂટર પર નમકીન વેચતા હતા. કહેવાય છે કે 30 વર્ષની ઉંમરે તેમની પાસે માત્ર 2000 રૂપિયા હતા. એક સમય એવો પણ હતો જ્યારે SBIએ તેમને 5000 રૂપિયાની લોન આપવાનો ઈન્કાર કરી દીધો હતો.
શરુ કરી ચિટ ફંડ કંપની
બાદમાં સુબ્રત રોયે તેમના મિત્ર સાથે મળીને એક ચિટ ફંડ કંપની શરૂ કરી હતી. 80ના દાયકામાં 100 રૂપિયા કમાતા લોકો તેમની પાસે 20 રૂપિયા જમા કરાવતા હતા. નાની રકમના રોકાણની સ્કીમને કારણે લાખો લોકોએ તેમની કંપનીમાં રોકાણ કરવાનું શરૂ કર્યું. આ પછી તેમની કંપની અને સંપત્તિ બંને વધતા ગયા. જોકે, બાદમાં એવો સમય પણ આવ્યો, જ્યારે તેમના પર રોકાણકારોના લાખો રૂપિયા લઈને બેસી જવાનો આરોપ લાગ્યો. તમામ રેગ્યુલેટરી તપાસ એજન્સીઓ અને પોલીસ તેમની પાછળ ગયા.
હાઈકોર્ટમાં ચાલી રહ્યો છે કેસ
ઘણા વર્ષોથી લોકોના પૈસા ન ચૂકવવા બદલ સહારા ઈન્ડિયા વિરુદ્ધ પટના હાઈકોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. લોકોએ કંપનીની ઘણી સ્કીમમાં આ પૈસા રોક્યા હતા.પરંતુ બાદમાં સહશ્રીને આ મામલે સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. ગયા વર્ષે સુપ્રીમ કોર્ટે તત્કાલ સુનાવણી કરીને પટના હાઈકોર્ટના ધરપકડના આદેશ પર રોક લગાવી દીધી હતી.
ADVERTISEMENT