મહારાષ્ટ્રથી એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જેમાં રાજ્યના બે પોલીસકર્મીઓ કોર્ટમાં 30 મિનિટ મોડા પહોંચતા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે બંનેને વિચિત્ર સજા ફટકારી છે. કોર્ટમાં 30 મિનિટ મોડા પહોંચતા મેજિસ્ટ્રેટે બંને પોલીસકર્મીને ઘાસ કાપવાનું કામ સોંપ્યું છે. જોકે, ઘાસ કાપવાની સજા ફટકારવામાં આવ્યા બાદ બંને પોલીસકર્મીઓ નારાજ થઈ ગયા છે અને તેઓએ આ મામલાની જાણકારી ઉચ્ચ અધિકારીઓને પણ આપી છે.
ADVERTISEMENT
ઘાસ કાપવાની આપી સજા
આ મામલો મહારાષ્ટ્રના પરભણી જિલ્લાનો છે. અહીં માનવત પોલીસ સ્ટેશનના એક કોન્સ્ટેબલ અને એક હેડ કોન્સ્ટેબલને ઘાસ કાપવાની સજા આપવામાં આવી હતી. આ સજાથી નારાજ બંને પોલીસકર્મીઓએ તેમના અધિકારીઓને આ બાબતની જાણકારી આપી છે. એક મીડિયા રિપોર્ટમાં પરભણીના ઈન્ચાર્જ એસપીને ટાંકીને જણાવવામાં આવી રહ્યું છે કે, યોગ્ય કાર્યવાહી માટે એક વિસ્તૃત રિપોર્ટ કોર્ટને મોકલવામાં આવ્યો છે.
શું છે સમગ્ર મામલો?
વાસ્તવમાં, બંને પોલીસકર્મીઓએ 22મી ઓક્ટોબરની રાત્રે પેટ્રોલિંગ દરમિયાન બે લોકોને શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડ્યા હતા. બંનેને સવારે 11 વાગ્યે હોલિડે કોર્ટમાં રજૂ કરવાના હતા. જોકે, બંને પોલીસકર્મીઓ શકમંદોને લઈને સવારે 11 વાગ્યાને બદલે 11.30 વાગ્યે કોર્ટમાં પહોંચ્યા હતા, જેના પર જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ગુસ્સે થઈ ગયા હતા.
કોર્ટમાં મોકલવામાં આવ્યો રિપોર્ટ
જણાવવામાં આવી રહ્યું છે કે, અધિકારીઓને જાણ કર્યા બાદ સમગ્ર ઘટનાને 22 ઓક્ટોબરે પોલીસ સ્ટેશનની ડાયરીમાં નોંધવામાં આવી હતી. ઈન્ચાર્જ એસપીએ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, ‘જ્યારે તે અમારા ધ્યાન પર લાવવામાં આવ્યું, ત્યારે કોન્સ્ટેબલના નિવેદન સાથેનો એક વિગતવાર રિપોર્ટ યોગ્ય કાર્યવાહી કરવા માટે કોર્ટને મોકલવામાં આવ્યો છે.’
ADVERTISEMENT