ક્યારથી પાટા પર દોડશે Bullet Train?, કેન્દ્રીય રેલ મંત્રી Ashwini Vaishnawનું મોટું નિવેદન

દેશમાં ટૂંક સમયમાં જ 350 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટ્રેન દોડી શકે છે. કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે બુલેટ ટ્રેનને લઈને એક નવું અપડેટ આપ્યું…

gujarattak
follow google news
દેશમાં ટૂંક સમયમાં જ 350 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટ્રેન દોડી શકે છે. કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે બુલેટ ટ્રેનને લઈને એક નવું અપડેટ આપ્યું છે. તેમણે કહ્યું છે કે, 2026માં મુંબઈ-અમદાવાદની વચ્ચે એક સેક્શનમાં બુલેટ ટ્રેનનું સંચાલન શરૂ થઈ જશે. વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં હાજરી આપવા આવેલા રેલ મંત્રીએ પત્રકારોની સાથે વાતચીતમાં જણાવ્યું કે સુરત અને બિલિમોરાની  વચ્ચે 2026માં બુલેટ ટ્રેનનું સંચાલન શરૂ થઈ જશે. તેમણે કહ્યું કે, શરૂઆતથી જ આવી યોજના હતી. અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, સમગ્ર રૂટ પર મેટ્રોનું સંચાલન ક્યારે થશે તે અંગે ચોક્કસ સમયરેખા આપવી મુશ્કેલ છે.

જમીન સંપાદન 100 ટકા પૂર્ણ

બુલેટ ટ્રેન પ્રોજેક્ટની જવાબદારી નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL)ની પાસે છે. તેમણે કહ્યું કે, મહારાષ્ટ્રમાં પ્રોજેક્ટ માટે જમીન સંપાદન 100 ટકા પૂર્ણ થઈ ચૂક્યું છે અને શેડ્યૂલ મુજબ સ્ટ્રક્ચર્સનું નિર્માણ થઈ રહ્યું છે. મુંબઈ અને અમદાવાદની વચ્ચે 8 નદી પુલ બની ચૂક્યા છે અને 272 કિલોમીટરનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. અમદાવાદના સાબરમતી ખાતેના ટર્મિનલનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે, જ્યારે મુંબઈમાં બીકેસી કોમ્પ્લેક્સમાં પણ ફાઉન્ડેશનનું કામ થઈ ચૂક્યું છે.

2017માં શિલાન્યાસ કરાયો

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ 2016માં અસ્તિત્વમાં આવ્યો હતો અને 2017માં શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટને ડિસેમ્બર 2023 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો. પરંતુ જમીન સંપાદનમાં અવરોધોને કારણે તેમાં વિલંબ થયો. જોકે, હવે જમીન સંપાદનની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે અને અનેક વિભાગોમાં કન્સ્ટ્રેક્શનનું કામગીરી પણ તેજીથી ચાલી રહી છે. જોકે, સમગ્ર રુટ પર આ ટ્રેનનું સંચાલન ક્યારથી થશે, તેની હજુ સુધી જાહેરાત કરવામાં આવી નથી.

2 કલાકમાં થશે 508 કિલોમીટરની મુસાફરી

મુંબઈથી અમદાવાદની વચ્ચે બુલેટ ટ્રેનની કુલ મુસાફરી 508 કિલોમીટરની રહેશે. બુલેટ ટ્રેનની મહત્તમ સ્પીડ 320 કિલોમીટર પ્રતિ કલાક સુધીની રહેશે. બંને શહેરો વચ્ચેની મુસાફરીમાં 2 કલાક 7 મિનિટનો સમય લાગશે. હાલમાં આ અંતર ટ્રેન દ્વારા લગભગ 5 કલાકમાં કાપવામાં આવે છે. આ 508 કિલોમીટરના રૂટમાં 348 કિલોમીટર ગુજરાતમાં જ્યારે 156 કિલોમીટર મહારાષ્ટ્રમાં હશે. 92 ટકા એલિવેટેડ હશે અને 6 ટકા ટ્રાવેલ ટનલની અંદર હશે.
    follow whatsapp