Mumbai Accident: મુંબઈમાં ગુરુવારે રાત્રે એક દર્દનાક અકસ્માત સર્જાયો હતો. અહીં એક પૂરપાટ ઝડપે આવતી કારે ટોલ પ્લાઝા પર ઊભેલા અનેક વાહનોને ટક્કર મારી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે વાહનોના ફુરચે ફુરચા ઊડી ગયા હતા. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે 6 લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. પોલીસે જણાવ્યું કે કાર વરલીથી બાંદ્રા તરફ જઈ રહી હતી ત્યારે આ અકસ્માત થયો હતો.
ADVERTISEMENT
બેકાબુ કારે 6 વાહનોને એડફેટે લીધા
ડીસીપી કૃષ્ણકાંત ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, સી લિંક પર ટોલ પ્લાઝાથી 100 મીટરે ઈનોવા કાર પહેલા મર્સિડીઝ કાર સાથે અથડાઈ હતી. આ પછી તે બે-ત્રણ અન્ય વાહનો સાથે પણ અથડાઈ હતી. અકસ્માતમાં મર્સિડીઝ અને ઈનોવા સહિત છ કારને ભારે નુકસાન થયું હતું.
અકસ્માત સર્જનાર ચાલક પણ ઈજાગ્રસ્ત
પોલીસે જણાવ્યું કે, ઘાયલ લોકોમાંથી 4ની હાલત સ્થિર છે અને અન્ય 2ની હાલત ગંભીર છે. ગંભીર રીતે ઘાયલ લોકોમાંથી એકની લીલાવતી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને અન્ય પાંચ ભાભા હોસ્પિટલમાં દાખલ છે. પોલીસે જણાવ્યું કે ઈજાગ્રસ્તોમાં ઈનોવા કારનો ડ્રાઈવર પણ સામેલ છે.
મળતી માહિતી મુજબ, ગુરુવારે રાત્રે લગભગ 10.45 કલાકે બાંદ્રા-વરલી સી લિંક ટોલ પ્લાઝા પાસે એક સ્પીડિંગ કાર બેકાબૂ થઈ ગઈ હતી. તે ટોલ પ્લાઝા પર ઊભેલા વાહનો સાથે અથડાઈ હતી. અકસ્માતને પગલે સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અકસ્માતમાં ઘાયલ લોકોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં ત્રણ લોકોના મોત થયા હતા. બે લોકોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.
ડીસીપી કૃષ્ણકાંત ઉપાધ્યાયે જણાવ્યું કે, ટ્રાફિક પોલીસ સી લિંક પરના વાહનોને હટાવી રહી છે. આ મામલામાં એફઆઈઆર નોંધવાની પ્રક્રિયા ચાલી રહી છે. ઘાયલોને સારી સારવાર મળે તે પણ સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે.
ADVERTISEMENT