સેન ડિઆગો: અમેરિકાની સરકારે જ્યારથી ટાઈટલ 42 સમાપ્ત કર્યું છે ત્યારથી મેક્સિકોમાંથી બોર્ડર ક્રોસ કરીને આવતા માઈગ્રન્ટ્સની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. એવામાં ઘણા ફેડરલ અધિકારીઓ પણ બાઈડન સરકારને માઈગ્રન્ટ્સની વધતી આ સંખ્યા અંગે તપાસ કરવા માટે કહી રહ્યા છે. આ વચ્ચે હાલ એક વીડિયો સામે આવ્યો છે, જે જોઈને સૌ કોઈ દંગ રહી ગયા છે. આ વીડિયોમાં સ્મગર 4 વર્ષના એક બાળકને યુએસ-મેક્સિકોની પ્રોટેક્શન વોલ પરથી નીચે ફેકતા દેખાય છે. આ વીડિયોને યુએસ કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
સ્મગલરે 30 ફૂટ ઊંચેથી બાળક અમેરિકામાં ફેંક્યું
યુએસ કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શનના ચીફ રાઉલ ઓર્ટિઝ દ્વારા ગત સપ્તાહે પોતાના ટ્વિટર પર આ વીડિયો પોસ્ટ કરાયો છે. જેમાં તે આ બાળક 4 વર્ષનું હોવાનું કહે છે. તેઓ લખે છે, સોમવારે સેન ડિઆગોમાં અજાણ્યા શખ્સ દ્વારા બોર્ડર બેરિયર પરથી 4 વર્ષના બાળકને ફેંકવામાં આવ્યું. એજન્ટોએ બાળકને પ્રાથમિક સારવાર આપી હતી અને EMSએ પણ બાળકની સંભાળ રાખતી વખતે તેમની પોઝિશન નજીક ગોળીબારની જાણ કરી હતી. આશ્ચર્યજનક રીતે બાળક સલામત છે! સ્મગલર્સ પર વિશ્વાસ ન કરો!
ભાગવા જતા તમામ લોકો પકડાયા
ધ ન્યૂયોર્ક પોસ્ટની રિપોર્ટ મુજબ, બાળકને ફેંક્યા બાદ સ્મગલર તેને બીજા બાળક સાથે જવાનું કહે છે. સૌથી પહેલા તેણે મોટા બાળકને નીચે ફેંક્યો હતો અને પછી આ 4 વર્ષના બાળકને. થોડી ક્ષણોમાં એક વ્યક્તિ પણ આ દિવાલથી કૂદીને અમેરિકામાં ઘુસતા જોવા મળે છે અને પછી બધા ત્યાંથી ભાગવા લાગે છે, પરંતુ કસ્ટમ્સ એન્ડ બોર્ડર પેટ્રોલ એજન્ટ્સ દ્વારા તેમને પકડી લેવામાં આવે છે.
ગત વર્ષે આ રીતે બોર્ડર ક્રોસ કરતા કલોલનો પરિવાર વિખેરાયો હતો
નોંધનીય છે કે, ગત વર્ષે ડિસેમ્બર મહિનામાં પણ અમેરિકા-મેક્સિકો બોર્ડરે આ પ્રકારની ઘટના બની હતી. જેમાં કલોલના એક પરિવારનો માળો વિખેરાઈ ગયો હતો. અમેરિકા-મેક્સિકો બોર્ડરે આવેલી 30 ફૂટ ઊંચી ટ્રમ્પ વોલ પરથી કૂદવા જતા 50 વર્ષના આધેડને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું નિધન થયું, જ્યારે તેમની સાથે 3 વર્ષના બાળક અને પત્નીને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી.
ADVERTISEMENT