મુંબઈ: NCP અધ્યક્ષ શરદ પવારે મંગળવારે મોટી જાહેરાત કરી છે. પવારે કહ્યું કે તેઓ NCPનું અધ્યક્ષ પદ છોડી દેશે. 82 વર્ષના મરાઠા ક્ષત્રપ શરદ પવારે આ જાહેરાત એવા સમયે કરી છે, જ્યારે પાછલા થોડા દિવસોથી NCPમાં તિરાડ પડવાની ખબરો સામે આવી છે. ખબર છે કે શરદ પવારના ભત્રીજા અજિત પવાર NCPના ઘણા ધારાસભ્યો સાથે ભાજપ સરકારમાં સામેલ થઈ શકે છે.
ADVERTISEMENT
શરદ પવારે કહ્યું કે, ઘણા વર્ષોથી મને રાજનીતિમાં પાર્ટીનું નેતૃત્વ કરવાની તક મળી છે. આ ઉંમરે, હું આ પદ સંભાળવા માંગતો નથી. મને લાગે છે કે બીજા કોઈએ આગળ આવવું જોઈએ. પક્ષના નેતાઓએ નક્કી કરવું પડશે કે હવે પક્ષના પ્રમુખ કોણ હશે? શરદ પવાર છેલ્લે 2022માં ચાર વર્ષ માટે અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા.
શરદ પવાર 24 વર્ષથી NCPના અધ્યક્ષ છે
શરદ પવારે કહ્યું કે, 1999માં NCPની રચના બાદ મને અધ્યક્ષ બનવાની તક મળી. આજે એ વાતને 24 વર્ષ થઈ ગયા. પવારે કહ્યું કે, 1 મે, 1960થી શરૂ થયેલી જાહેર જીવનની આ યાત્રા છેલ્લા 63 વર્ષથી અવિરતપણે ચાલુ છે. આ દરમિયાન મેં મહારાષ્ટ્ર અને દેશમાં અલગ-અલગ ભૂમિકાઓ ભજવી છે. મારો રાજ્યસભાને 3 વર્ષનો કાર્યકાળ બાકી છે. આ દરમિયાન હું કોઈ પદ ન લેતા મહારાષ્ટ્ર અને દેશ સાથે જોડાયેલા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીશ.
ADVERTISEMENT