Shajapur Collector on Truck Drivers Protest : હિટ એન્ડ રન કાયદાને કારણે ટ્રક ડ્રાઈવર્સ હડતાળ પર ઉતર્યા હતા. ત્યારે એવામાં મધ્યપ્રદેશના શાજાપુર જિલ્લાના કલેક્ટર અને ટ્રક ડ્રાઈવરો વચ્ચેની વાતચીતનો વિડીયો ચર્ચામાં આવ્યો છે. આ વીડિયો ટ્રક ડ્રાઈવરો સાથેની મીટિંગનો છે. જેમાં જોઈ શકાય છે કે મીટિંગ દરમિયાન કલેક્ટર કિશોર કન્યાલ પોતાનો ગુસ્સો ગુમાવી બેસે છે અને એક ડ્રાઈવરને પૂછે છે કે, ‘શું કરી લેશો તમે? તમારી શું ઔકાત છે?’ આના પર ડ્રાઈવરે તેને બેફામ જવાબ આપ્યો કે, તેઓ એટલા માટે જ લડી રહ્યા છે કે તેમની કોઈ ઔકાત નથી.
ADVERTISEMENT
મુખ્યમંત્રીએ બતાવી ઔકાત
આ મામલે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે કડક પગલાં ભરતાં કલેક્ટરને પદેથી હટાવી દીધા છે. સીએમએ કહ્યું કે, આ સરકાર ગરીબોની સરકાર છે. સૌના કામનું સન્માન જરૂરી છે. કલેક્ટરનું નિવેદન અમારી સરકારમાં સાંખી નહીં લેવાય. અધિકારીઓએ તેમની ભાષા અને વર્તનનું ધ્યાન રાખવું પડશે.
કલેકટરે માંગી માફી
જોકે, આ વીડિયોને લઈ કિશોર કન્યાલ માફી પણ માંગી છે. તેમણે કહ્યું કે, આ બેઠક ટ્રક ડ્રાઇવરો તેમના પ્રશ્નોને લોકશાહી ઢબે ઉઠાવી શકે તે માટે યોજવામાં આવી હતી, પરંતુ તેમાંથી એક વ્યક્તિ અન્ય લોકોને ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહ્યો હતો અને તે આંદોલનને ઉગ્ર બનવાની ચીમકી આપી રહ્યો હતો. જેથી મેં આ શબ્દોનો ઉપયોગ કર્યો હતો. જો મારા શબ્દોથી કોઈને દુઃખ થયું હોય, તો હું ખેદ વ્યક્ત કરું છું.
કોણ છે કિશોર કન્યાલ?
IAS અધિકારી કિશોર કન્યાલ રાજ્ય સેવા અધિકારી રહી ચૂક્યા છે. 2013માં પ્રમોશન મળ્યા બાદ તેઓ IAS ઓફિસર બન્યા હતા. તેણે દિલ્હીની કિરોરી મલ કોલેજમાંથી માસ્ટર્સ કર્યું છે. આ સાથે તેણે એલએલબી પણ કર્યું છે. શાજાપુરના કલેક્ટર બનતા પહેલા તેઓ ગ્વાલિયર મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર પણ હતા. આ સાથે તેઓ અન્ય વિભાગોમાં પણ કાર્યરત છે.
ટ્રક ડ્રાઇવર્સની હડતાળ સમેટાઇ
હિટ એન્ડ રન કેસ માટેના નવા કાયદાને લઈને સરકાર અને ટ્રાન્સપોર્ટરો વચ્ચે સમાધાન થઈ ગયું છે. ટ્રાન્સપોર્ટ સંગઠને દેશભરના ડ્રાઈવરોને હડતાળ પાછી ખેંચવા અપીલ કરી છે. સરકાર દ્વારા સંગઠનને ખાતરી આપવામાં આવી છે કે, હાલમાં કાયદાનો અમલ કરવામાં નહી આવે. જ્યારે પણ તેનો અમલ થશે ત્યારે સંગઠન સાથે ચર્ચા કરવામાં આવશે. આ પછી ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસે ડ્રાઈવરોને હડતાળ ખતમ કરવાની અપીલ કરી છે.
ADVERTISEMENT