ધનેશ પરમાર/બનાસકાંઠા: બનાસકાંઠામાં લાંચિયા અધિકારીઓ સામે એસીબી વિભાગે લાલ આંખ કરી છે. થોડા દિવસ અગાઉ સમાજ કલ્યાણ અધિકારી ACBના હાથે લાંચ લેતા ઝડપાયા હતા. ત્યારે હવે નવા એક કેસમાં બનાસકાંઠા જિલ્લાની સાતરવાળા પ્રાથમિક શાળાના આચાર્યએ ધોરણ 10ના પ્રમાણપત્રની નકલ આપવા માટે રૂપિયા 18,000 ની માંગણી કરી હતી. જોકે ફરિયાદી પોતે લાંચ આપવા ન માગતા હોવાથી પાટણ એસીબી કચેરીનો સંપર્ક સાધ્યો હતો. અને એસીબી અધિકારીઓએ છટકું ગોઠવી આ દોષિત આચાર્યને ઝડપી જેલ હવાલે કર્યો છે.
ADVERTISEMENT
ધો.10નું પ્રમાણપત્ર આપવા માંગી લાંચ
આ કેસની વિગત જોઈએ તો આ કામના ફરિયાદીને ધોરણ 10 પાસના પ્રમાણપત્રકની જરૂરિયાત હતી. આથી તેમણે સાતરવાળા પ્રાથમિક શાળાના આચાર્ય જીગ્નેશભાઈ ત્રિવેદીનો સંપર્ક કર્યો હતો. જોકે આચાર્ય જીગ્નેશભાઈ ત્રિવેદી દ્વારા ફરિયાદી પાસે 18 હજાર લાંચની માંગ કરવામાં આવી હતી. આ ફરિયાદી પાસેથી આચાર્યએ સરકારી ગ્રાન્ટ મેળવતી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગમાં સસ્તામાં પરીક્ષા અપાવી દેવા માટે સરકારની ફી ઉપરાંત રૂપિયા 18,000ની લાચની માંગણી કરી હતી.
ACBએ લાંચ લેતા રંગેહાથ ઝડપ્યા
જોકે ફરિયાદી આ લાચની માંગણીથી નારાજ હોવાથી તેણે પાટણ એસીબી કચેરીએ પહોંચી આચાર્ય વિરુદ્ધ ફરિયાદ કરી હતી. જે વાતે પાટણ એસીબીએ આજ રોજ છટકું ગોઠવી હતું. જેમાં પંચો સમક્ષ સિદ્ધપુર ખલી ચાર રસ્તા પાસે ખાનગી હોટલમાં આરોપી સાતરવાડા પ્રાથમિક શાળાના આચાર્ય જીગ્નેશભાઈ ત્રિવેદીએ ફરિયાદી પાસે રૂપિયા 18000 લાંચની રકમ સ્વીકારી હતી. જો કે તરત જ એસીબીએ તેઓને રંગે હાથ ઝડપી લીધા હતા. હાલ આ મામલે પાટણ એસીબીએ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT