- યુક્રેનિયન યુદ્ધ કેદીઓને લઈ જતું રશિયન સૈન્ય વિમાન ક્રેશ થયું.
- વિમાનમાં 65 યુક્રેનિયમ કેદીઓ, 6 ક્રૂ મેમ્બર અને 3 એસ્કોર્ટ સહિત 74 લોકો હતા.
- 3 મિસાઈલથી હુમલો કરીને વિમાનનો તોડી પાડવામાં આવ્યું.
Plane Crash: યુક્રેનિયન યુદ્ધ કેદીઓને લઈ જતું રશિયન લશ્કરી (Russian Plane) પરિવહન વિમાન ક્રેશ થયું છે. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર બુધવારે રશિયાના બેલગોરોડ ક્ષેત્રમાં રશિયન ઇલ્યુશિન IL-76 લશ્કરી વિમાન ક્રેશ થયું હતું. રક્ષા મંત્રાલયના હવાલાથી કહેવામાં આવ્યું હતું કે, “વિમાનમાં 65 યુક્રેનિયન સૈનિકો હતા, જેમને બેલગોરોડ ક્ષેત્રમાં લઈ જવામાં આવી રહ્યા હતા.” તેમાં છ ક્રૂ મેમ્બર અને ત્રણ એસ્કોર્ટ હતા. આમ કુલ 74 લોકોના હુમલામાં મોત થયા છે.
ADVERTISEMENT
વિમાનમાં 65 કેદીઓને લઈ જવામાં આવી રહ્યા હતા
ન્યૂઝ એજન્સી AFPના જણાવ્યા અનુસાર, ટ્રાન્સપોર્ટ પ્લેનમાં 65 યુક્રેનિયન યુદ્ધ કેદીઓને લઈ જવામાં આવ્યા હતા. IL-76 મિલિટરી ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ સૈનિકો, કાર્ગો અને લશ્કરી સાધનોને લઈ જવા માટે બનાવવામાં આવ્યું છે. તેમાં સામાન્ય રીતે પાંચ લોકોનો ક્રૂ હોય છે અને તે 90 જેટલા મુસાફરોને લઈ જઈ શકે છે.
મિસાઈલથી વિમાન પર હુમલાનો દાવો
સંરક્ષણ મંત્રાલયે સમાચારની પુષ્ટિ કરી છે કે તાજેતરના અઠવાડિયામાં યુક્રેનિયન મિસાઇલ અને ડ્રોન હુમલાઓ દ્વારા નિયમિતપણે નિશાન બનાવવામાં આવતા ઇલ્યુશિન ઇલ-76 ક્રેશ થયું છે. રશિયન સાંસદ અને નિવૃત્ત જનરલ આન્દ્રેઈ કાર્તાપોલોવે જણાવ્યું હતું કે, વિમાનને ત્રણ મિસાઈલો દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું. જો કે, તેમણે એ નથી જણાવ્યું કે કયા સ્ત્રોતમાંથી આ વાતની પુષ્ટિ થઈ છે.
પ્લેન ક્રેશની ઘટના વીડિયોમાં કેદ થઈ
રશિયન સુરક્ષા સેવાઓ સાથે જોડાયેલી ચેનલ બાઝા દ્વારા મેસેન્જર એપ ટેલિગ્રામ પર પોસ્ટ કરવામાં આવેલ એક વિડિયોમાં એક મોટું વિમાન જમીન પર પડી રહ્યું છે અને બાદમાં તે આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયું અને તેમાં વિસ્ફોટ થઈ ગયો.
પ્રાદેશિક ગવર્નર વ્યાચેસ્લાવ ગ્લાડકોવે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે તેણે “ઘટના” ને કારણે તેમણે પોતાનો કાર્યક્રમ બદલી નાખ્યો છે અને તપાસકર્તાઓ અને ફાયરની ટીમો પહેલેથી જ કોરોચાન્સકી જિલ્લાની એક સાઇટ પર પહોંચી ગઈ છે. ક્રેમલિને કહ્યું કે તે અહેવાલોની તપાસ કરી રહ્યા છે.
ADVERTISEMENT