Revanth Reddy: કોંગ્રેસના નેતા અનુમુલા રેવંત રેડ્ડી (Revanth Reddy) આજે તેલંગાણાના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. હૈદરાબાદના એલબી સ્ટેડિયમમાં શપથ ગ્રહણ સમારોહ યોજાશે. તેલંગાણાના રાજ્યપાલ તમિલિસાઈ સુંદરાજન બપોરે 1.04 વાગ્યે 56 વર્ષીય નેતા રેવંત રેડ્ડીને શપથ લેવડાવશે. 2014માં અલગ રાજ્ય તેલંગાણાની રચના બાદ રેવંત રેડ્ડી રાજ્યના બીજા મુખ્યમંત્રી હશે. આ પહેલા તેલંગાણાના મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવ હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કોંગ્રેસના ચૂંટાયેલા ધારાસભ્ય અને ગત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા મલ્લુ ભટ્ટી વિક્રમ અર્કા નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લે તેવી શક્યતા છે.
ADVERTISEMENT
કોંગ્રેસે 64 બેઠકો જીતી મેળવી બહુમતી
તાજેતરમાં પૂર્ણ થયેલી તેલંગાણા વિધાનસભાની ચૂંટણીમાં કેસીઆરની પાર્ટી બીઆરએસને હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે રેવંત રેડ્ડીના નેતૃત્વમાં કોંગ્રેસે 64 બેઠકો જીતીને બહુમતી હાંસલ કરી છે અને રાજ્યમાં પ્રથમ વખત કોંગ્રેસની સરકાર બનવા જઈ રહી છે. તેલંગાણા કોંગ્રેસના અધ્યક્ષ રેવન્ત રેડ્ડીએ લોકોને આ શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવા માટે જાહેર આમંત્રણ આપ્યું છે. તેમણે દાવો કર્યો છે કે, 7 ડિસેમ્બરે ‘જનતાની સરકાર’ સત્તા સંભાળશે અને રાજ્યના લોકોને લોકતાંત્રિક અને પારદર્શક શાસન આપશે.
મંગળવારે રાત્રે દિલ્હી પહોંચ્યા હતા રેવંત રેડ્ડી
કોંગ્રેસ સંસદીય દળ (CPP) અધ્યક્ષ સોનિયા ગાંધી અને કોંગ્રેસન પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત ઘણા દિગ્ગજ નેતાઓ શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થઈ શકે છે. રાજ્યના એકમાત્ર સીપીઆઈ ધારાસભ્ય કુન્નામેની સાંબાસિવા રાવે જણાવ્યું કે, સીપીઆઈના મહાસચિવ ડી રાજા રેવંત રેડ્ડીના આમંત્રણ પર આ કાર્યક્રમમાં હાજરી આપશે. CPIએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને તેલંગાણા વિધાનસભાની ચૂંટણી લડી હતી. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમાર પણ શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપે તેવી શક્યતા છે. રેવંત રેડ્ડી કોંગ્રેસ હાઈકમાન્ડ સાથે સરકારની રચના અંગે ચર્ચા કરવા અને વરિષ્ઠ નેતાઓને મળવા મંગળવારે રાત્રે દિલ્હી પહોંચ્યા હતા. બુધવારે પાર્ટીના નેતાઓ સાથે ચર્ચા કરી અને મોડી રાત્રે હૈદરાબાદ પરત ફર્યા.
મુખ્ય સચિવ-ડીજીપીએ શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓની સમીક્ષા કરી
રાજ્યના મુખ્ય સચિવ એ શાંતિ કુમારી, ડીજીપી રવિ ગુપ્તાએ બુધવારે શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ અંગે વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને સ્થળની મુલાકાત પણ લીધી હતી. કહેવામાં આવી રહ્યું છે કે શપથ ગ્રહણ સમારોહમાં લગભગ એક લાખ લોકો સામેલ થઈ શકે છે. ડીજીપી રવિ ગુપ્તાએ જણાવ્યું હતું કે, શપથગ્રહણ સમારોહને ધ્યાનમાં રાખીને શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા મજબૂત કરવામાં આવી છે, જેથી કરીને લોકોને અસુવિધાનો સામનો કરવો ન પડે.
કોણ છે રેવંત રેડ્ડી?
રેવંત રેડ્ડીએ રાજકારણની શરૂઆત એબીવીપીથી કરી હતી. બાદમાં તેઓ ચંદ્રબાબુ નાયડુની તેલુગુ દેશમ પાર્ટીમાં જોડાયા હતા. 2009માં તેઓ ટીડીપીની ટિકિટ પર આંધ્રના કોડાંગલ બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. 2014માં તેઓ તેલંગાણા વિધાનસભામાં ટીડીપીના ગૃહના નેતા તરીકે ચૂંટાયા હતા.
રેવંત રેડ્ડી 2017માં કોંગ્રેસમાં જોડાયા હતા. જોકે, 2018માં તેઓ વિધાનસભાની ચૂંટણી હારી ગયા હતા. જોકે, કોંગ્રેસે તેમના પર વિશ્વાસ વ્યક્ત કર્યો અને તેમને 2019ની લોકસભા ચૂંટણીમાં મલ્કાજગીરીથી ટિકિટ આપી, જેમાં તેઓ જીતી ગયા. 2021માં કોંગ્રેસે તેમને મોટી જવાબદારી સોંપી અને પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા.
ADVERTISEMENT