દિલ્હી: દિગ્ગજ ભારતીય ઉદ્યોગપતિ અને ટાટા સન્સના ચેરમેન રતન ટાટાને એક મોટી જવાબદારી સોંપવામાં આવી છે. રિપોર્ટ મુજબ, તેમને PM કેર્સ (PM CARES) ફંડના નવા ટ્રસ્ટિ નિયુક્ત કરાયા છે. રતન ટાટા સાથે જ સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ કેટી થોમસ અને લોકસભાના પૂર્વ ડેપ્યુટી સ્પીકર કરિયા મુંડાને પણ PM કેર્સ ફંડના ટ્રસ્ટી બનાવાયા છે.
ADVERTISEMENT
અન્ય મોટી હસ્તીઓને પણ સલાહકાર ગ્રુપમાં નોમિનેટ કરાયા
રિપોર્ટ મુજબ, દેશની કેટલીક અન્ય મોટી હસ્તીઓને પણ PM CARES Fundના સલાહકાર ગ્રુપમાં નોમિનેટ કરવામાં આવ્યા છે. તેમાં કહેવાયું છે કે, એડવાઈઝરી બોર્ડમાં પૂર્વ કેગ રાજીવ મહર્ષિ, ઈન્ફોસિસ ફાઉન્ડેશનના પૂર્વ ચેરપર્સન સુધા મૂર્તિ, ઈન્ડિકોર્પ્સ અને પિરામલ ફાઉન્ડેશનના પૂર્વ સીઈઓ આનંદ શાહને સમાવેશ કરવામાં આવ્યા છે.
2020માં કોરોના મહામારી વખતે PM કેર્સ ફંડ બનાવાયું હતું
આ પહેલા મંગળવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બોર્ડ ઓફ ટ્રસ્ટીની બેઠક સંપન્ન થઈ હતી. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને નાણામંત્રી નિર્મલા સીતારમણ ઉપસ્થિત હતા. આ સાથે જ નવા પસંદ કરાયેલા સદસ્યોએ પણ આ બેઠકમાં ભાગ લીધો હતો. પ્રધાનમંત્રી મોદીએ નવા ટ્રસ્ટીઓનું સ્વાગત કર્યું. ઉલ્લેખનીય છે કે, PM કેર ફંડને 2020માં કોરોના મહામારી દરમિયાન ઈમરજન્સી રાહતના રૂપમાં બનાવવામાં આવ્યું હતું. આ ફંડના અધ્યક્ષ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે.
ADVERTISEMENT