Sukhdev Singh Gogamedi Murder Case: શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની હત્યા બાદ રાજસ્થાનમાં સ્થિતિ તંગ છે. આ હત્યાકાંડના વિરોધમાં રાજસ્થાનના અનેક શહેરોમાં વિરોધ પ્રદર્શન થયા. ગુસ્સે ભરાયેલા પ્રદર્શનકારીઓએ ઘણી જગ્યાએ રસ્તાઓ ‘બ્લોક’ કરી દીધા હતા અને ટ્રેનો પણ રોકી દીદી હતી. કેટલીક જગ્યાએ પોલીસને ભીડને વિખેરવા માટે લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો. આ વચ્ચે સુખદેવસિંહ ગોગામેડીની પત્ની શીલા શેખાવતે કેસ નોંધાવ્યો છે. શીલા શેખાવતે આપેલી ફરિયાદમાં રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતનો પણ ઉલ્લેખ છે.
ADVERTISEMENT
મુખ્યમંત્રી અશોક ગેહલોત પાસે માંગી હતી સુરક્ષા
સુખદેવસિંહની પત્ની શીલા શેખાવતે જયપુરના શ્યામ નગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી FIRમાં કહ્યું છે કે મારા પતિ સામાજિક કાર્યકર હતા, જેના કારણે મારા પતિ સુખદેવસિંહ ગોગામેડીનો જીવ છેલ્લા બે વર્ષથી જોખમમાં હતો. આ અંગે મારા પતિએ તત્કાલિન મુખ્યમંત્રી અશોક ગેહલોત અને પોલીસ મહાનિર્દેશક સહિત અનેક ઉચ્ચ અધિકારીઓને સુરક્ષા આપવા માટે પત્રો લખ્યા હતા. આ પત્રો તારીખ 24/02/2023, 01/03/2023 અને 25/03/2023ના રોજ લખવામાં આવ્યા હતા.
‘મારા પતિને જાણી જોઈને ન આપી સુરક્ષા’
એટલું જ નહીં, 14.03.2023ના રોજ ATS જયપુરે રાજસ્થાનના એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (ઈન્ટેલિજન્સ)ને પત્ર લખીને જાણ કરી હતી કે સુખદેવસિંહ ગોગામેડીની હત્યાનું કાવતરું ઘડવામાં આવી રહ્યું છે. 14.02.2023ના રોજ પંજાબ પોલીસે રાજસ્થાનના પોલીસ મહાનિર્દેશકને પત્ર લખીને જાણ કરી હતી કે સુખદેવસિંહ ગોગામેડીને મારવાનો પ્લાન બનાવવામાં આવી રહ્યો છે. આ તમામ ઈનપુટ્સ હોવા છતાં રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી અશોક ગેહલોત અને પોલીસ મહાનિર્દેશક સહિત અન્ય જવાબદાર અધિકારીઓએ જાણી જોઈને મારા પતિને સુરક્ષા આપી નથી.
શીલા શેખાવતે FIRમાં લગાવ્યો આરોપ
શીલા શેખાવતે FIRમાં એવો પણ આરોપ લગાવ્યો છે કે, ગુનાહિત કાવતરાના ભાગરૂપે તેમના પતિ સુખદેવસિંહને સુરક્ષા પૂરી પાડવામાં આવી ન હતી. આ કાવતરા હેઠળ હત્યારાઓને હત્યા કરવા માટે એક પ્રકારની સુવિધા આપવામાં આવી છે. આપને જણાવી દઈએ કે સુખદેવસિંહ ગોગામેડીની હત્યા બાદ રાજ્યમાં માહોલ ગરમ છે. આ દરમિયાન રાજ્યના વહીવટી તંત્રએ મામલાની તપાસ માટે એક SITની રચના કરી છે.
5-5 લાખના ઈનામની જાહેરાત
રાજસ્થાનમાં સુખદેવસિંહ ગોગામેડી હત્યાકાંડ મામલે વહીવટીતંત્ર અને તમામ સમાજના પ્રતિનિધિ મંડળ વચ્ચે સમજૂતી થઈ છે. આ કેસમાં કાર્યવાહી કરી રહેલી પોલીસે કહ્યું કે, હુમલાખોરોની ઓળખ થઈ ગઈ છે. તેમની ધરપકડ માટે દરોડા પાડવામાં આવી રહ્યા છે. હુમલાખોરો વિશે માહિતી આપનારને 5-5 લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરવામાં આવી છે. હુમલાખોરોને ટૂંક સમયમાં કાયદાના દાયરામાં લાવવામાં આવશે.
ADVERTISEMENT