Ram Lalla Surya Tilak: આજે રામ નવમીનો તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. આ વખતની રામનવમી ખૂબ જ ખાસ છે કારણ કે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ બાદ રામલલાની આ પહેલી રામનવમી છે. આ દરમિયાન રામલલાની વિશેષ પૂજા કરવામાં આવી છે. આજે 12 વાગ્યા પછી અયોધ્યામાં રામલલાનો સૂર્યાભિષેક થયો છે. અયોધ્યામાં અલૌકિક નજારો જોઈને રામભક્તો આનંદિત થઈ ગયા છે.
ADVERTISEMENT
બપોરે 12.16 કલાકે થયું સૂર્યતિલક
રામનવમી પર રામ મંદિરના કપાટ ભક્તો માટે સવારે 3.30 વાગ્યે ખોલી દેવામાં આવ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે રાતે 11 વાગ્યા સુધી ભક્તો રામ લલાના દર્શન કરી શકશે. એવામાં મંદિરમાં શ્રદ્ધાળુઓની ભીડ જામી છે. બપોરે 12.16 વાગ્યે રામલલાનો સૂર્યાભિષેક કરાયો. આ દ્રશ્યો જોઈને ભક્તો ગદગદ થઈ ગયા હતા.
500 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર થયો સૂર્યાભિષેક
રામ મંદિરમાં આ સમયે અદભુત નજારો જોવા મળી રહ્યો છે. આસ્થા અને વિજ્ઞાનના સંગમથી રામલલાનો સૂર્યાભિષેક કરાયો. આ દરમિયાન રામલાલાના કપાળ સૂર્યની કિરણોથી જગમગી ઉઠ્યું. 500 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર ભગવાન શ્રીરામનો સૂર્યાભિષેક થયો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે હવેથી દર વર્ષે રામનવમીના દિવસે અયોધ્યામાં રામલલાનું સૂર્યતિલક થશે.
વૈજ્ઞાનિકોએ કરી હતી ખાસ તૈયારી
આ વખતે રામનવમીને વધુ ખાસ બનાવવા માટે વૈજ્ઞાનિકોએ રામલલાની મૂર્તિ પર સૂર્ય તિલકની ખાસ તૈયારી કરી હતી. એક ટોચની સરકારી સંસ્થાના વૈજ્ઞાનિકોએ એક ખાસ પ્રકારના કાચ અને લેન્સ આધારિત ઉપકરણ ડિઝાઈન કર્યું, જેના દ્વારા સૂર્ય કિરણ સીધા રામલલાની મૂર્તિના કપાળ પર પાડવામાં આવ્યા હતા. તેને સત્તાવાર રીતે 'સૂર્ય તિલક પ્રોજેક્ટ' નામ આપવામાં આવ્યું છે.
કોને સોંપાઈ હતી જવાબદારી?
સૂર્ય તિલક પ્રોજેક્ટ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ એસ્ટ્રોફિઝિક્સ બેંગ્લોરના સહયોગથી કરવામાં આવ્યો. આ નજારો જોવા લાયક હતો. આ પ્રોજેક્ટ આગામી 100 વર્ષ માટે તૈયાર કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT