અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે હવે રાજસ્થાનનાં મુખ્યમંત્રી અશોક ગેહલોત અમદાવાદ ખાતે 2 દિવસ સુધી રોકાણ કરશે. આ દરમિયાન અટકળો લગાવાઈ રહી છે કે તેઓ ચૂંટણીને લઈને નવી રણનીતિ ઘડવામાં કોંગ્રેસને મદદ કરશે. તથા ધારાસભ્યો સાથે વ્યક્તિગત બેઠક કરી લોકસભાના જે નિરીક્ષકોને જવાબદારી સોંપવામાં આવી છે તેને રિવ્યૂ કરશે.
ADVERTISEMENT
કોંગ્રેસ ટૂંક સમયમાં ઉમેદવારોની યાદી બહાર પાડશે
હવે કોંગ્રેસના ઉમેદવારોની યાદી તૈયાર થઈ ગઈ હોવાના અહેવાલો વચ્ચે અશોક ગેહલોતનો અમદાવાદ પ્રવાસ ચૂંટણીને લગતી કોંગ્રેસ તરફથી કોઈ મોટી જાહેરાત થઈ શકે એવા એંધાણ આપી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ 2 વખત અશોક ગેહલોતનો પ્રવાસ વિવિધ કારણોસર રદ થયો હતો. હવે તેમના અહીં આગમનથી કોંગ્રેસ કયા ઉમેદવારને મેદાનમાં ઉતારી શકે છે એની વિગતવાર ચર્ચા પણ થવાની સંભાવના રહેલી છે. અત્યારે અહેવાલો પ્રમાણે ઉમેદવારોનું લિસ્ટ હાઈકમાન્ડને સોંપી દેવાયું છે અને ટૂંક સમયમાં કોંગ્રેસ આ અંગે મોટી જાહેરાત કરી શકે છે.
છત્તીસગઢના મુખ્યમંત્રીને મળી મોટી જવાબદારી
કોંગ્રેસે છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બધેલની હિમાચલ પ્રદેશના વરિષ્ઠ નિરીક્ષક તરીકે નિમણૂંક કરાઈ છે. ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા અશોક ગેહલોતને સિનિયર ઓબ્ઝર્વર તરીકે પસંદ કરાયા છે.
ADVERTISEMENT