Rajasthan Heavy Rain Alert: રાજસ્થાનના અનેક જિલ્લાઓમાં ગઈકાલે રવિવારે ભારે વરસાદ પડ્યો હતો. ભારે વરસાદને કારણે છેલ્લા 24 કલાકમાં વિવિધ સ્થળોએ દુર્ઘટના સર્જાઈ છે. જેમાં 20 જેટલા લોકોના મૃત્યુ નિપજ્યાં છે. હવામાન વિભાગ દ્વારા રાજસ્થાનના અનેક જિલ્લાઓમાં સોમવારે પણ ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જે અંતર્ગત રાજસ્થાનના 6 જિલ્લાની સરકારી શાળાઓ અને ખાનગી શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત હવામાન વિભાગે ભારે વરસાદના એલર્ટવાળા જિલ્લાઓમાં લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે.
ADVERTISEMENT
વરસાદના કારણે વણસી સ્થિતિ
રાજ્યમાં શનિવારે પડેલા ભારે વરસાદને કારણે અનેક જિલ્લાઓમાં સ્થિતિ વણસી ગઈ છે. જયપુર, ભરતપુર, દૌસા, કરૌલી, સવાઈ માધોપુર સહિત અનેક જિલ્લાઓમાં વરસાદની સ્થિતિ વણસી છે. આ દરમિયાન હવામાન વિભાગના 12 ઓગસ્ટના એલર્ટને ધ્યાનમાં રાખીને ઘણા જિલ્લાના કલેક્ટરે શાળાઓમાં રજા જાહેર કરી છે. જેમાં જયપુર, ભરતપુર, સવાઈ માધોપુર, ડીગ, કરૌલી અને ગંગાપુર શહેરનો સમાવેશ થાય છે.
5 દિવસ સુધી પડી શકે છે ભારે વરસાદ
હવામાન વિભાગનું અનુમાન છે કે, આગામી 5 દિવસ સુધી રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે. જેને લઈને જયપુર સહિત અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે. તેમાં પૂર્વ રાજસ્થાનના જયપુર, દૌસા, ઝુનઝુનુ, સીકર, કરૌલી, સવાઈ માધોપુર અને ટોંક સહિતના જિલ્લાઓનો સમાવેશ થાય છે, જ્યાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ દરમિયાન હવામાન વિભાગે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરી છે.
દુર્ઘટનામાં 20 લોકોના મૃત્યુ
રાજસ્થાનના ઘણા જિલ્લાઓમાં રવિવારે પડેલા ભારે વરસાદને કારણે સર્જાયેલી દુર્ઘટનામાં ઓછામાં ઓછા 20 લોકોના મૃત્યુ થયા છે. રવિવારે સાંજે જયપુરના કનોટા ડેમમાં સેલ્ફી લેવાના પ્રયાસમાં 5 યુવકો પાણીમાં ડૂબી ગયા હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર ડેમ ઓવરફ્લો થયા બાદ મોટી સંખ્યામાં લોકો ત્યાં એકઠા થઈ ગયા હતા. દરમિયાન સેલ્ફી લેવાનો પ્રયાસ કરતાં પાંચેય યુવકો ઊંડા પાણીમાં ઉતરી ગયા હતા અને ડૂબી ગયા હતા. તો ભરતપુરના બાયનામાં બાણગંગા નદીના પૂરના પાણીમાં ડૂબી જવાથી સાત બાળકોના મોત થયા છે. કરૌલી જિલ્લામાં પણ પિતા-પુત્રનું પૂરના પાણીમાં ડૂબી જવાથી મોત થયું હતું.
ઝુંઝુનુ જિલ્લાના સિંઘના પોલીસ સ્ટેશન વિસ્તારમાં રવિવારે સાંજે 3 યુવકોના ડૂબી જવાથી મોત થયા હતા. મીડિયા રિપોર્ટ અનુસાર, આ ત્રણેય યુવકો મંદિર પાસેના તળાવમાં નહાવા ગયા હતા, જ્યાં ઊંડા પાણીમાં ડૂબી જવાથી તેમના મોત થયા હતા.
ADVERTISEMENT