Rajasthan Election 2023: રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતના OSD લોકેશ શર્મા ત્રણ રાજ્યોમાં કોંગ્રેસની હાર બાદ સતત ચોંકાવનારા દાવા કરી રહ્યા છે. હવે તેમણે દાવો કર્યો છે કે, ગેહલોત સરકાર દ્વારા 2020માં બળવા દરમિયાન સચિન પાયલટનો ફોન ટેપ કરવામાં આવ્યો હતો અને તેમની એક્ટિવિટીને ટ્રેક કરવામાં આવી હતી. લોકેશ શર્માના આ દાવા પર ગેહલોત અને પાયલટ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.
ADVERTISEMENT
સતત અશોક ગેહલોતની કરી રહ્યા છે ટીકા
ન્યૂઝ એજન્સી અનુસાર, OSD લોકેશ શર્મા વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ માંગી રહ્યા હતા. જોકે, કોંગ્રેસે તેમને ટિકિટ આપી ન હતી. હવે રાજસ્થાનમાં કોંગ્રેસની હાર બાદ તેઓ સતત અશોક ગેહલોતની ટીકા કરી રહ્યા છે. OSD લોકેશ શર્માએ જણાવ્યું કે, ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ધારાસભ્ય દળની બેઠક યોજાવાની હતી, પરંતુ અશોક ગેહલોતની નજીકના નેતાઓએ તે થવા ન દીધું. જો તે બેઠક થઈ હોત અને કોંગ્રેસના નિરીક્ષકો જે એજન્ડા લઈને આવ્યા હતા, તેના પર અમલ કરવામાં આવ્યું હોત, તો પરિણામ સારું આવ્યું હોત. વાસ્તવમાં, કોંગ્રેસ નેતૃત્વ ત્યારે અશોક ગેહલોતને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સચિન પાયલટને રાજ્યના સીએમ બનાવવા માંગતું હતું.
સરકારે પોતાની મશીનરીને કામે લગાડી
લોકેશ શર્માએ કહ્યું કે, ગેહલોત અને પાયલટ વચ્ચેના મતભેદોએ પાર્ટીની સંભાવનાઓને નુકસાન પહોંચાડ્યું. લોકેશ શર્માએ કહ્યું કે, જ્યારે 2020માં રાજકીય સંકટ આવ્યું. સચિન પાયલટ પોતાના 18 ધારાસભ્યોની સાથે ચાલ્યા ગયા હતા. આવી સ્થિતિમાં સરકારે પોતાની મશીનરીને કામે લગાડી અને દરેક પર નજર રાખવામાં આવી હતી. આ લોકો ક્યાં જાય છે, કોને મળે છે અને કોની સાથે વાત કરે છે? તેમણે દાવો કર્યો હતો કે બળવા પહેલા પણ દેખરેખ રાખવામાં આવી રહી હતી, કારણ કે એવી આશંકા હતી કે આવું કંઈક થઈ શકે છે.
‘ટિકિટની વહેચણી બરાબર થઈ નહોતી’
લોકેશ શર્માના જણાવ્યા અનુસાર, ટિકિટની વહેંચણી યોગ્ય રીતે કરવામાં આવી નહોતી, જેના કારણે રાજ્યમાં પાર્ટીની ઓછી સીટો આવી છે. સરકાર સામે કોઈ સત્તા વિરોધી લહેર ન હતી, પરંતુ લોકો ઘણા ધારાસભ્યોને તેમના પ્રતિનિધિ તરીકે પાછા જોવા માંગતા ન હતા. આ રિપોર્ટ મુખ્યમંત્રીને પણ સોંપવામાં આવ્યો હતો. આ માત્ર મારો રિપોર્ટ નહતો, પરંતુ AICC સર્વેનો પણ રિપોર્ટ હતો. શર્માએ દાવો કર્યો કે વર્તમાન ધારાસભ્યોની ટિકિટો રદ કરવી જોઈતી હતી, પરંતુ તેમ કરવામાં આવ્યું નથી.
ADVERTISEMENT