Raj Shekhavat Detained: રાજકોટથી ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનને લઈને ક્ષત્રિય સમાજ દ્વારા ઠેર-ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે. ગુજરાત કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે મંગળવારે કમલમ ખાતે કેસરિયા ઝંડા અને દંડા સાથે ક્ષત્રિયોને વિરોધ પ્રદર્શનમાં જોડાવવા હુંકાર કર્યો હતો. આ માટે તેઓ જયપુરથી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા. જોકે, અમદાવાદ એરપોર્ટ પરથી જ તેમની પોલીસે અટકાયત કરી લીધી હતી અને રાજ શેખાવતને જબરજસ્તી પકડીને પોલીસ વાનમાં બેસાડી દેવામાં આવ્યા હતા. આ દરમિયાન રાજ શેખાવતની પાઘડી નીકળી જતા તેઓ ગુસ્સે થઈ ગયા હતા. ત્યારે હવે આ પાઘડી ઉછાળવાનો મુદ્દો હવે રાષ્ટ્રીય સ્તરે ચગ્યો છે, કેમકે ખેડૂત આંદોલનકારી નેતા રાકેશ ટિકૈતે આ મામલે ટ્વિટ કરીને આ ઘટનાને વખોડી કાઢી છે.
ADVERTISEMENT
આ ખૂબ જ નિંદનીય છેઃ રાકેશ ટિકૈત
ખેડૂત આંદોલનકારી નેતા રાકેશ ટિકૈતે જણાવ્યું છે કે, આપણે સૌ પાઘડીને સન્માન-ઈજ્જત આપીએ છીએ, ત્યારે આ ખૂબ જ નિંદનીય છે. રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા વિવાદ હજુ શાંત પડ્યો નથી ત્યાં હવે ખેડૂત નેતાની પોસ્ટથી ગરમાવો આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, હવે રાજ શેખાવતની પાઘડીનો વિવાદ વકરી શકે છે.
શું છે સમગ્ર મામલો?
ગુજરાત કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે ગાંધીનગર કમલમ ખાતે કેસરિયા ઝંડા અને દંડા સાથે ક્ષત્રિયોને વિરોધ પ્રદર્શનમાં જોડાવવા હુંકાર કર્યો હતો. આ માટે તેઓ ગઈકાલે જયપુરથી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા. જોકે અમદાવાદ એરપોર્ટ પરથી જ તેમની પોલીસે અટકાયત કરી લીધી હતી અને તેમને નજરકેદ કરીને લઈ જવામાં આવ્યા હતા.
પાઘડી નીકળી જતાં થયા હતા ગુસ્સે
એરપોર્ટની બહાર પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. રાજ શેખાવતને જબરજસ્તી પકડીને પોલીસ વાનમાં બેસાડી દેવામાં આવ્યા હતા. આ દરમિયાન રાજ શેખાવતની પાઘડી નીકળી જતા તેઓ ગુસ્સે થઈ ગયા હતા અને બોલાચાલી થઈ હતી. આ સમગ્ર ઘટના વીડિયોમાં કેદ થઈ ગઈ હતી. પોલીસ દ્વારા તેમની અટકાયત કરીને પોલીસ હેડ ક્વાર્ટર લઈ જવામાં આવ્યા છે.
ADVERTISEMENT