નવી દિલ્હી: જે પુલવામા હુમલાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો હતો, 4 વર્ષ પછી પણ તેના પર રાજકારણ ખતમ થવાનું નામ નથી લઈ રહ્યું. જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકે ફરી એકવાર આ રાજકારણને વેગ આપ્યો છે. એક ઈન્ટરવ્યુમાં પુલવામા હુમલાનું એક કારણ કેન્દ્ર સરકારની ભૂલ જણાવવામાં આવી છે.
ADVERTISEMENT
હકીકતમાં, સત્યપાલ મલિક જમ્મુ અને કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશ બનતા પહેલા તેના છેલ્લા રાજ્યપાલ હતા. જે સમયે પુલવામા હુમલો થયો તે સમયે તેઓ રાજ્યપાલનું પદ પણ સંભાળી રહ્યા હતા. એક ઈન્ટરવ્યુ દરમિયાન સત્યપાલ મલિકે તત્કાલીન ગૃહમંત્રી રાજનાથ સિંહ પર સવાલ ઉઠાવ્યા હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પણ ઉલ્લેખ કર્યો હતો. સત્યપાલ મલિકના આ ઈન્ટરવ્યુ બાદ કોંગ્રેસે ફરી એકવાર મોદી સરકાર પર પ્રહારો કર્યા છે. કોંગ્રેસે પુલવામા હુમલાને લઈને કેન્દ્ર સરકારને પાંચ સવાલ પૂછ્યા છે.
1. મોદી સરકારે CRPF જવાનોને એરક્રાફ્ટ કેમ ન આપ્યા?
2. ગુપ્ત ઈનપુટ અને જૈશની ધમકીને નજરઅંદાજ કેમ કરી?
3. આતંકીઓને ભારે માત્રામાં RDX કેવી રીતે મળ્યું? પુલવામા હુમલાની તપાસ ક્યાં સુધી પહોંચી?
4. NSA અજીત ડોભાલ અને તત્કાલિન ગૃહમંત્રી રાજનાથસિંહની શું જવાબદારી નક્કી કરાઈ?
5. પુલવામા હુમલા બાદ સંવેધાનિક પદ પર બેઠેલા ગવર્નરને PM મોદીએ ‘ચુપ રહેવા’ની ધમકી કેમ આપી?
શું છે સત્યપાલ મલિકના દાવા?
જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ ગવર્નર સત્ય પાલ મલિકે દાવો કર્યો હતો કે CRPF એ તેમના માણસોને પરિવહન કરવા માટે એક એરક્રાફ્ટની માંગણી કરી હતી, કારણ કે આટલો વિશાળ કાફલો ક્યારેય રોડ માર્ગે મુસાફરી કરતો નથી. મલિકે દાવો કર્યો હતો કે સીઆરપીએફએ ગૃહ મંત્રાલયને કહ્યું હતું, પરંતુ તેમણે વિમાન આપવાનો ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું કે, જો મને પૂછવામાં આવ્યું હોત તો હું તેમને (CRPF) વિમાન આપી દેત, ગમે તે રીતે આપ્યું હોત. માત્ર પાંચ એરક્રાફ્ટની જરૂર હતી. તેમને વિમાન આપવામાં આવ્યું ન હતું.
સત્યપાલ મલિકે વધુ એક મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું, “આ હુમલા બાદ જ્યારે પીએમ મોદીએ મને જીમ કોર્બેટ પાર્કથી ફોન કર્યો ત્યારે મેં વડાપ્રધાનને કહ્યું કે આપણી ભૂલને કારણે આવું થયું છે. આના પર તેમણે મને ચૂપ રહેવા અને કોઈને કંઈ ન બોલવા કહ્યું.”
NSA અજીત ડોભાલનો પણ કર્યો ઉલ્લેખ
મલિકે પોતાના ઈન્ટરવ્યુમાં NSA અજીત ડોભાલનો પણ ઉલ્લેખ કર્યો હતો. સાથે જ પોતાના મનની વાત જણાવતા તેમણે દાવો કર્યો કે, તેઓ સમજી ગયા છે કે સરકાર સમગ્ર મામલો પાકિસ્તાન પર ફેંકવા જઈ રહી છે જેથી તેને 2019ની લોકસભા ચૂંટણીમાં ફાયદો મળી શકે. તેમણે કહ્યું, “અજિત ડોભાલે પણ મને ચૂપ રહેવા કહ્યું. હું સમજી ગયો કે મામલો પાકિસ્તાન તરફ જવો જોઈએ.”
ભાજપે મલિક પર કર્યો પલટવાર
બીજી તરફ ભાજપે પણ સત્યપાલ મલિક સામે વળતો પ્રહાર કર્યો છે. બીજેપી નેતા અમિત માલવિયાએ સત્યપાલ મલિકના ઘણા જૂના ઇન્ટરવ્યુ શેર કર્યા છે, જેમાં તેઓ પોતાનું નિવેદન પાછું ખેંચતા જોવા મળે છે. આવી સ્થિતિમાં ભાજપ હવે સત્યપાલ મલિકની વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવી રહ્યું છે. અમિત માલવિયાએ ટ્વીટ કરીને લખ્યું, “કોઈ પણ તેમને ગંભીરતાથી લેતું નથી, ભલે તેઓ તેમના આરોપો પાછા ખેંચી લે. આ તેમની વિશ્વસનીયતા પર મોટો પ્રશ્ન છે.”
શું હતો પુલવામા હુમલો?
તમને જણાવી દઈએ કે 14 ફેબ્રુઆરી, 2019ના રોજ બપોરે લગભગ 3:00 વાગ્યે, જૈશ-એ-મોહમ્મદ (JeM)ના એક આતંકવાદીએ શ્રીનગર-જમ્મુ નેશનલ હાઈવે પર સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CPRF)ના કાફલા પર વિસ્ફોટક લઈ જઈ રહેલા વાહનને ટક્કર મારી હતી. પુલવામામાં પાકિસ્તાન સમર્થિત જૈશ-એ-મોહમ્મદના આત્મઘાતી હુમલાવર દ્વારા સીઆરપીએફના કાફલાને નિશાન બનાવીને કરાયેલા હુમલામાં લગભગ 40 જેટલા જવાનો શહીદ થઈ ગયા હતા. CRPFના કાફલામાં 78 બસો હતી. આ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો હતો. આ કાફલામાં લગભગ 2500 CRPF જવાનો જમ્મુથી શ્રીનગર જઈ રહ્યા હતા. જોકે, ભારતે માત્ર 12 દિવસમાં ‘નાપાક’ પાકિસ્તાન પાસેથી બદલો લઈ લીધો હતો. ભારતે 26 ફેબ્રુઆરીએ બાલાકોટ એરસ્ટ્રાઈક કરીને જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓને ઠાર કર્યા હતા.
ADVERTISEMENT