નવી દિલ્હી: આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે ત્યારે વડાપ્રધાન આજે મધ્યપ્રદેશના કૂનો નેશનલ પાર્ક પહોંચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કુનો નેશનલ પાર્કમાં નામિબિયાથી ભારતમાં આવેલા ચિત્તાઓને છોડ્યા હતા. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે આ ચિત્તાઓની તસવીરો લીધી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધતા કહ્યું હતું કે, જ્યારે સમયનું ચક્ર આપણને ભૂતકાળને સુધારવાની અને નવું ભવિષ્ય બનાવવાની તક આપે છે. સદભાગ્યે આજે આપણી સામે આવી જ ક્ષણ છે. આજે આપણને જૈવવિવિધતાની કડીને જોડવાની તક મળી છે જે દાયકાઓ પહેલા તૂટી ગઈ હતી. આજે ચિત્તા ભારતની ધરતી પર ફરી આવ્યા છે.
ADVERTISEMENT
દેશ ચિતાઓના પુનર્વસન માટે એકઠો થયો
વડાપ્રધાને કહ્યું કે, આજે આઝાદીના અમૃતમાં હવે દેશ નવી ઉર્જા સાથે ચિતાઓનું પુનર્વસન કરવા લાગ્યું છે. જ્યારે પ્રકૃતિ અને પર્યાવરણ સુરક્ષિત છે તો આપણું ભવિષ્ય પણ સુરક્ષિત છે. વિકાસ અને સમૃદ્ધિના માર્ગો પણ ખુલે છે. જ્યારે કુનો નેશનલ પાર્કમાં ચિત્તા ફરી દોડશે, ત્યારે અહીંની ઇકોસિસ્ટમ ફરીથી મજબૂત થશે અને જૈવવિવિધતા વધશે.
છેલ્લા 3 ચિત્તાનો શિકાર કરવામાં આવ્યો હતો
આપણે એવો સમય પણ જોયો છે જ્યારે પ્રકૃતિના શોષણને શક્તિનું પ્રતીક માનવામાં આવતું હતું. 1947માં જ્યારે દેશમાં માત્ર છેલ્લા ત્રણ ચિત્તા બચ્યા હતા ત્યારે તેમનો પણ શિકાર કરવામાં આવ્યો હતો. તે દુર્ભાગ્યપૂર્ણ હતું કે 1952 માં ચિત્તાઓને લુપ્ત જાહેર કર્યા. પરંતુ તેમના પુનર્વસન માટે કોઈ અર્થપૂર્ણ પ્રયાસો કરવામાં આવ્યા ન હતા. આજે આઝાદીના અમૃતમાં દેશે નવી ઉર્જા સાથે ચિતાઓનું પુનર્વસન શરૂ કર્યું છે. અમૃતમાં એવી શક્તિ છે જે મરેલાને પણ જીવિત કરી શકે છે. આ એવું કામ છે જેને કોઈ મહત્વ નથી આપતું. અમે તેની પાછળ પુરી તાકાત લગાવી દીધી, સંપૂર્ણ પ્લાનિંગ કરવામાં આવ્યું, વૈજ્ઞાનિકોએ સંશોધન કર્યું અને ત્યાંના નિષ્ણાતો પણ ભારત આવ્યા. ચિત્તાઓ માટે સૌથી યોગ્ય વિસ્તાર માટે દેશભરમાં સર્વે કરવામાં આવ્યો હતો. ત્યારબાદ કુનો નેશનલ પાર્કની પસંદગી કરવામાં આવી હતી. આજે આપણી મહેનતનું પરિણામ આપણી સામે છે.
ચિત્તાઓ જોવા માટે રાહ જોવી પડશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે એ વાત સાચી છે કે જ્યારે પ્રકૃતિ અને પર્યાવરણનું રક્ષણ થાય છે તો આપણું ભવિષ્ય પણ સુરક્ષિત છે. વિકાસ અને સમૃદ્ધિના માર્ગો પણ ખુલે છે. જ્યારે કુનો નેશનલ પાર્કમાં ચિત્તાઓ ફરી દોડશે, ત્યારે અહીંની ગ્રાસલેન્ડ ઇકોસિસ્ટમ ફરીથી પુનઃસ્થાપિત થશે, જૈવવિવિધતા વધુ વધશે. ચિત્તા જોવા અંગે મોદીએ કહ્યું કે, કુનો નેશનલ પાર્કમાં ચિત્તાઓને જોવા માટે દેશવાસીઓએ થોડા મહિના ધીરજ બતાવવી પડશે. રાહ જોવી પડશે. આજે આ ચિતાઓ મહેમાન બનીને આવ્યા છે. તેઓ આ વિસ્તારથી અજાણ છે. આ ચિત્તાઓ કુનો નેશનલ પાર્કને પોતાનું ઘર બનાવી શકે તે માટે આપણે આ ચિત્તાઓને પણ થોડા મહિના આપવા પડશે. આંતરરાષ્ટ્રીય માર્ગદર્શિકાને અનુસરીને, ભારત શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યું છે. આપણે આપણા પ્રયત્નોને નિષ્ફળ ન થવા દેવા જોઈએ.
ગુજરાત સિંહોના વિશાળ વિસ્તાર તરીકે ઉભરી આવ્યું
આજે 21મી સદીનું ભારત સમગ્ર વિશ્વને સંદેશ આપી રહ્યું છે કે અર્થતંત્ર અને ઇકોલોજી વિરોધાભાસી ક્ષેત્રો નથી. પર્યાવરણની રક્ષાની સાથે દેશની પ્રગતિ પણ થઈ શકે છે, ભારતે આ દુનિયાને બતાવી દીધું છે. આપણા દેશમાં એશિયાટિક સિંહોની સંખ્યામાં પણ મોટો વધારો થયો છે. તેવી જ રીતે આજે ગુજરાત દેશમાં એશિયાટીક સિંહોના વિશાળ વિસ્તાર તરીકે ઉભરી આવ્યું છે. આની પાછળ દાયકાઓની મહેનત, સંશોધન આધારિત નીતિ અને જનભાગીદારીની મોટી ભૂમિકા છે. વાઘની સંખ્યા બમણી કરવાનો લક્ષ્યાંક સમય પહેલા હાંસલ કરવામાં આવ્યો હતો. એક સમયે આસામમાં એક શિંગડાવાળા ગેંડાનું અસ્તિત્વ જોખમમાં હતું, પરંતુ આજે તેમની સંખ્યા પણ વધી ગઈ છે. છેલ્લા વર્ષોમાં હાથીઓની સંખ્યા પણ વધીને 30 હજારથી વધુ થઈ ગઈ છે. આજે દેશમાં 75 વેટલેન્ડ્સને રામસર સાઇટ્સ તરીકે જાહેર કરવામાં આવી છે. જેમાંથી છેલ્લા 4 વર્ષમાં 26 સાઇટ્સ ઉમેરવામાં આવી છે. દેશના આ પ્રયાસોની અસર આવનારી સદીઓ સુધી જોવા મળશે અને પ્રગતિના નવા માર્ગો ખુલશે.
ADVERTISEMENT