રાજસ્થાનની ડામાડોળ સ્થિતિથી સોનિયા ગાંધી ધુંવાપુંવા, સવાર સુધીમાં વિવાદ ઉકેલવા આપ્યા નિર્દેશ

જયપુર : રાજસ્થાનમાં હાલ રાજકીય સંકટની સ્થિતિ વચ્ચે કોંગ્રેસમાં ભારે ધમાસાણ ચાલી રહ્યું છે. અશોક ગહલોત જુથ દ્વારા કોઇ પણ ભોગે સી.પી જોશીને મુખ્યમંત્રી બનાવવામાં…

gujarattak
follow google news

જયપુર : રાજસ્થાનમાં હાલ રાજકીય સંકટની સ્થિતિ વચ્ચે કોંગ્રેસમાં ભારે ધમાસાણ ચાલી રહ્યું છે. અશોક ગહલોત જુથ દ્વારા કોઇ પણ ભોગે સી.પી જોશીને મુખ્યમંત્રી બનાવવામાં આવે નહી તો તેઓ બળવો કરશે તે પ્રકારનો સ્પષ્ટ સંદેશ આપીદેવામાં આવ્યો છે. આ ઉપરાંત તેમનો આરોપ છે કે, સચિન પાયલોટ અને તેમના જુથના 15-17 ધારાસભ્યોનું જ કોંગ્રેસ હાઇકમાન્ડ સાંભળી રહ્યું છે. જ્યારે અમારી તથા અમારા થકી જનતાની લાગણી સી.પી જોશી સાથે છે. તેવામાં કોંગ્રેસ દ્વારા તમામ ધારાસભ્યોનાં મંતવ્યના આધારે જ નવા મુખ્યમંત્રીની પસંદગી કરવામાં આવે. આ અંગે અશોક ગેહલોતને જ્યારે સ્થિતિ થાળે પાડવા માટે જણાવવામાં આવ્યું ત્યારે તેમણે હવે સ્થિતિ તેમના પણ કાબુમાં નહી હોવાનું કહીને હાથ ઉંચા કરી દીધા હતા.

કોઇ પણ ભોગે સવાર સુધીમાં મામલો થાળે પાડવા નિર્દેશ
જો કે હવે સમગ્ર સ્થિતિને થાળે પાડવા માટે પર્યવેક્ષક તરીકે અજય માકન અને મલ્લિકાર્જુન ખડગેને મોકલવામાં આવ્યા છે. જેઓ રાજસ્થાનની સ્થિતિ તથા ધારાસભ્યો સાથે સતત સંવાદ કરી રહ્યા છે. સાંજે 7 વાગ્યે આયોજીત બેઠક પણ ટળી ગઇ છે. તેવામાં આ સમગ્ર ઘટનાક્રમ રાષ્ટ્રીય સ્તરે ઉછળવા લાગતા સોનિયા ગાંધી ધુંવાપુંવા થયા છે. અત્રે નોંધનીય છે કે, આ ઘટનાક્રમના કારણે કોંગ્રેસનો જુથવાદ ફરી એકવાર સ્પષ્ટ રીતે બહાર આવ્યો છે. જેના કારણે કોંગ્રેસનું રાષ્ટ્રીય સ્તરે શાખ ધોવાણ થઇ રહ્યુ છે. જેથી હાલ તો રાજસ્થાન સરકાર બચાવવાની સાથે સાથે તેની શાખનું કોઇ પણ પ્રકારનું ધોવાણ ન થાય તે માટે કોંગ્રેસ હાઇકમાન્ડ પ્રયત્ન કરી રહ્યું છે.

અશોક ગેહલોતને મળવા માટે હાઇકમાન્ડ સીએમ હાઉસ પહોંચશે
સોનિયા ગાંધી દ્વારા માકન અને ખડસેને સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યા છે કે, કોઇ પણ સ્થિતિમાં આજે રાત સુધીમાં તમામ સ્થિતિ થાળે પાડી દેવામાં આવે. કાલે સવારે નવા મુખ્યમંત્રીની જાહેરાત સાથે કોંગ્રેસ એક પોઝિટિવ સંદેશ આપશે. આંતરિક અસંતોષને પણ ખાળવા માટેના તમામ પ્રયત્નો અને ધારાસભ્યોને સામદામ દંડભેદની નીતિ દ્વારા કાબુમાં લઇ લેવા માટેના નિર્દેશો અપાયા છે. જેના કારણે હવે બંન્ને ઉચ્ચપદસ્થ નેતાઓ ધારાસભ્યો સાથે બેઠકોનો દોર ચલાવી રહ્યા છે. બીજી તરફ સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર મલ્લિકાર્જુન ખડગે, સચિન પાયલોટ, અજય માકન અને રઘુ શર્મા ગેહલોતને મળવા માટે સીએમ હાઉસ પહોંચી ચુક્યા છે. બંધબારણે સમગ્ર અસંતોષ ડામવા માટેની કવાયત હાથ ધરવામાં આવશે.

    follow whatsapp