નવી દિલ્હી: પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફના વિશેષ સંરક્ષણ સલાહકાર અને ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવાના નજીકના સહયોગી મલિક મોહમ્મદ અહમદ ખાને કેમેરા સામે કબૂલાત કરી છે કે પાકિસ્તાનમાંથી ડ્રોન દ્વારા ભારતમાં ડ્રગ્સની દાણચોરી કરવામાં આવી રહી છે. ભારત સતત આ મુદ્દો પાકિસ્તાન સાથે તેમજ સંબંધિત આંતરરાષ્ટ્રીય મંચો પર ઉઠાવે છે, પરંતુ પાકિસ્તાન નિર્લજ્જતાથી તેનો ઇનકાર કરી રહ્યું છે. ખાનની આ કબૂલાત ડ્રગ્સ સામેની ભારતની લડાઈમાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
ADVERTISEMENT
આ પહેલીવાર છે જ્યારે પાકિસ્તાનના કોઈ વરિષ્ઠ અધિકારીએ કેમેરા પર કબૂલ્યું છે કે પાકિસ્તાન ડ્રગની દાણચોરીમાં સામેલ છે. પીએમ શહેબાઝને સંરક્ષણ બાબતો પર સલાહ આપતા ખાને ભારતના પંજાબની સરહદે આવેલા કાસુર શહેરમાં પાકિસ્તાની પત્રકાર હામિદ મીરને એક ઈન્ટરવ્યુ આપ્યો હતો. તેનો વીડિયો મીરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો.
જાણો શું કહ્યું
જ્યારે મીરે ખાનને સરહદ પારની દાણચોરીમાં પાકિસ્તાનની ભૂમિકા વિશે પ્રશ્ન કર્યો ત્યારે ખાને કહ્યું, “તે એક ભયાનક હકીકત છે કે પાકિસ્તાનના દાણચોરો ડ્રોન સહિત વિવિધ માધ્યમો દ્વારા ભારતમાં ડ્રગ્સ મોકલી રહ્યા છે.” ખાને કહ્યું, હાલમાં જ બે ઘટનાઓ સામે આવી છે, જ્યારે ડ્રોન વડે લગભગ 10 કિલો હેરોઈન ઝડપાયું છે.
મીર ખાનના વીડિયોની સાથે કેપ્શનમાં લખ્યું, પીએમના સલાહકાર મલિક મોહમ્મદ અહેમદ ખાને મોટો ખુલાસો કર્યો છે. પાકિસ્તાન-ભારત સરહદ નજીકના કાસુરના પૂર પ્રભાવિત વિસ્તારોમાં હેરોઈન પહોંચાડવા માટે દાણચોરો ડ્રોનનો ઉપયોગ કરી રહ્યા છે. તેમણે પૂર પીડિતોના પુનર્વસન માટે વિશેષ પેકેજની માગણી કરતાં કહ્યું છે કે જો પીડિતોને મદદ નહીં કરવામાં આવે તો તેઓ પણ દાણચોરોના નેટવર્કમાં જોડાઈ જશે.
પાકિસ્તાનમાંથી હથિયારોની પણ દાણચોરી
ખાનનો મતવિસ્તાર કસૂર ભારતના પંજાબમાં ખેમકરણ અને ફિરોઝપુરની બાજુમાં આવેલ છે. પંજાબ પોલીસના જણાવ્યા અનુસાર, જુલાઈ 2022 થી 2023 સુધીમાં એકલા ફિરોઝપુર જિલ્લામાં NDPS એક્ટ હેઠળ 795 FIR નોંધવામાં આવી છે. આ સિવાય BSF દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા દર્શાવે છે કે પાકિસ્તાનની સરહદે આવેલા જિલ્લાઓમાં સૌથી વધુ ડ્રગ્સ ઝડપાય છે. પાકિસ્તાનમાંથી ડ્રગ્સ ઉપરાંત હથિયારોની પણ દાણચોરી થઈ રહી છે. BSFએ આ વર્ષે અત્યાર સુધીમાં પંજાબના સરહદી વિસ્તારોમાંથી 260 કિલો હેરોઈન, 19 હથિયારો, 30 મેગેઝીન, 470 રાઉન્ડ ગોળીઓ અને 30 ડ્રોન જપ્ત કર્યા છે.
એક વર્ષમાં 8000 કિલોથી વધુનું ડ્રગ્સ ઝડપાયું
જમ્મુ-કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહનું કહેવું છે કે, પાકિસ્તાનમાંથી ડ્રગ્સ અને હથિયારોની એકસાથે દાણચોરી થઈ રહી છે. આતંકવાદીઓને હથિયારો પહોંચાડવામાં આવે છે. જ્યારે ડ્રગ્સમાંથી થતી આવકનો મોટો હિસ્સો સરહદ પારના આતંકવાદીઓને જાય છે. સિંહે કહ્યું, પાકિસ્તાન જમ્મુ-કાશ્મીરમાં આતંકને પુનર્જીવિત કરવા માટે યુવા પેઢીને ડ્રગ્સ તરફ આકર્ષવા પંજાબ મોડલનો ઉપયોગ કરી રહ્યું છે. પંજાબમાં આતંકવાદનો અંત આવ્યો ત્યારે યુવાનો ડ્રગ્સના વ્યસની હતા. તેમણે કહ્યું કે, છેલ્લા એક વર્ષમાં રાજ્યમાં આઠ હજાર કિલોથી વધુ ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે અને ત્રણ હજારથી વધુ લોકો સામે બે હજારથી વધુ કેસ નોંધાયા છે.
ADVERTISEMENT