PM Modi in Ayodhya: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યાની મુલાકાતે પહોંચ્યા છે. પીએમ મોદીની હસ્તે ‘અયોધ્યા ધામ’ રેલવે સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. અયોધ્યા એરપોર્ટ પર આગમન બાદ પીએમ મોદી 8 કિમીનો રોડ શૉ કરીને અયોધ્યા ધામ રેલવે સ્ટેશન ખાતે પહોંચ્યા હતા. જ્યાં સૌથી પહેલા તેમના હસ્તે આયોધ્યા ધામ સ્ટેશનનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ હાજર રહ્યા હતા.
ADVERTISEMENT
6 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને બતાવી લીલી ઝંડી
રેલવે સ્ટેશનના લોકાર્પણ બાદ પીએમ મોદીએ 6 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન અને 2 અમૃત ટ્રેનને લીલીઝંડી બતાવી હતી. વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની વાત કરીએ તો તેમાં શ્રી માતા વૈષ્ણો દેવી કટરાથી નવી દિલ્હી, અમૃતસરથી નવી દિલ્હી, કોઈમ્બતુરથી બેંગલુરુ, મેંગલુરુથી મડગાંવ, જાલનાથી મુંબઈ અને અયોધ્યાથી આનંદ વિહાર ટર્મિનલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પીએમ મોદીએ અયોધ્યાથી દરભંગા અને માલદા ટાઉનથી બેંગલુરુ અમૃત ટ્રેનને લીલી ઝંડી બતાવી.
આધુનિક સુવિધાઓથી સજ્જ
આપને જણાવી દઈએ કે, અયોધ્યામાં આધુનિક સુવિધાઓથી સજ્જ રેલવે સ્ટેશન બનાવવામાં આવ્યું છે. પહેલા અયોધ્યા જંકશનથી ઓળખાતા રેલવે સ્ટેશનનું નામ બદલીને ‘અયોધ્યા ધામ’ રેલવે સ્ટેશન કરવામાં આવ્યું છે. અયોધ્યા રેલ્વે સ્ટેશનને જોઈને તમને એક ભવ્ય મંદિર જેવો અનુભવ થશે. રામ મંદિર અહીંથી લગભગ એક કિલોમીટર દૂર છે. આ સ્ટેશનની ક્ષમતા અંદાજે 50 હજાર મુસાફરોની છે.
241 કરોડના ખર્ચે તૈયાર કરાયું છે આ રેલવે સ્ટેશન
અંદાજે 241 કરોડના ખર્ચે વિકસિત કરવામાં આવેલ અયોધ્યા ધામ રેલવે સ્ટેશનમાં ઘણી સુવિધાઓ છે, પરંતુ અહીં કેટલીક સુવિધાઓ એવી છે જે સામાન્ય રીતે એરપોર્ટ પર પણ જોવા મળતી નથી. આ યાદીમાં મુખ્ય છે ઈન્ફન્ટ કેર રૂમ, સિક રૂમ, પેસેન્જર ફેસિલિટી ડેસ્ક, ટૂરિસ્ટ ઇન્ફોર્મેશન સેન્ટર, જે સ્ટેશનના ગ્રાઉન્ડ ફ્લોર પર છે. સમગ્ર સંકુલ G+2 મોડલ પર બનેલ છે. આ સિવાય ક્લોક રૂમ, ફૂડ પ્લાઝા, વેઇટિંગ હોલ્સ, સ્ટેયરકેસ, એસ્કેલેટર, લિફ્ટ અને ટોયલેટ જેવી સુવિધાઓ છે. તમામ માળ ફાયર એક્ઝિટ સાથે પણ જોડાયેલા છે, જે કોઈપણ અપ્રિય પરિસ્થિતિના કિસ્સામાં લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવાનો માર્ગ મોકળો કરશે. અયોધ્યા ધામ સ્ટેશનના મિડલ ફ્લોર પર રિટાયરિંગ રૂમ, લેડીઝ ડોર્મિટરી, એર કન્ડિશન્ડ રિટાયરિંગ રૂમ, જેન્ટ્સ ડોર્મિટરી, સ્ટેરકેસ, રિલીવિંગ સ્ટાફ માટે લોજિંગ રૂમ, સ્ટેશન માસ્ટર અને મહિલા કર્મચારીઓના રૂમ જેવી સુવિધાઓથી સજ્જ છે.
ADVERTISEMENT