Atal Setu: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મુંબઈમાં દેશના સૌથી લાંબા દરિયાઈ પુલ અટલ સેતુને જનતાને સમર્પિત કરશે. આ સાથે જ તેઓ નાસિકમાં 27માં રાષ્ટ્રીય યુવા મહોત્સવનું ઉદ્ઘાટન કરશે અને 30,500 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે.
દરરોજ 70 હજાર લોકો થશે પસાર
હજારો કરોડના ખર્ચે બનેલો અટલ સેતુ મુંબઈને નવી મુંબઈથી જોડશે. દેશની આર્થિક રાજધાની મુંબઈ માટે આ પુલ નવી જીવાદોરી બનશે. આ પુલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે ભારતના વિકાસનું એક નવું ઉદાહરણ છે.એક અંદાજ મુજબ આ પુલ પરથી દરરોજ લગભગ 70 હજાર લોકો મુસાફરી કરશે.
અટલ સેતુ પુલની ખાસિયતો
અહીં 400 કેમેરા લગાવવામાં આવ્યા છે, આ સિવાય ટ્રાફિકના દબાણની જાણકારીને એકત્ર કરવા માટે AI આધારિત સેન્સર લગાવવામાં આવ્યા છે. અટલ સેતુ પુલ 21.8 કિમી લાંબો છે. આ પુલને આશરે 17,840 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે.
2016માં કરાયો હતો શિલાન્યાસ
ડિસેમ્બર 2016માં તેનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. આ પુલ 16.5 કિમી સમુદ્ર પર અને 5.5 કિમી જમીન પર બાંધવામાં આવ્યો છે. આશરે 22 કિલોમીટર લાંબા પુલ દ્વારા દક્ષિણ મુંબઈથી નવી મુંબઈનું અંતર કાપવામાં માત્ર 15-20 મિનિટનો સમય લાગશે. તેનાથી દોઢથી બે કલાકના સમયની બચત થશે.