Ram Mandir: ભારતના પવિત્ર શહેર અયોધ્યામાં 22 જાન્યુઆરીએ યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ વચ્ચે અયોધ્યા નજીક આવેલા એક ગામે પણ પોતાની તૈયારીઓ જોરશોરથી શરૂ કરી દીધી છે.કારણ કે આ ગામની 500 વર્ષ જૂની પ્રતિજ્ઞા પૂરી થવા જઈ રહી છે. જી હાં, અયોધ્યાથી 13 કિમી દૂર સરાયરાસી (Sarairasi) ગામ પોતાની તૈયારીઓને લઈને હેડલાઈન્સમાં છે. આ ગામની મહિલાઓ પરંપરાગત પોશાકની ખરીદી કરવામાં વ્યસ્ત છે, તો બીજી બાજુ બજારોમાં પુરુષોને રંગબેરંગી પાઘડીઓ અને નાગરા જૂતા ખરીદતા જોઈ શકાય છે. દરેક ઘરમાં રંગોળીઓ બનાવવામાં આવી રહી છે. અહીંના લોકોએ કહ્યું કે, 22મી જાન્યુઆરીએ રામ લલ્લાની પ્રતિમાની ‘પ્રાણ પ્રતિષ્ઠા’ની સાથે જ તેમના પૂર્વજો દ્વારા લેવામાં આવેલી 500 વર્ષ જૂની પ્રતિજ્ઞા પણ સમાપ્ત થશે. તમને જણાવી દઈએ કે, અહીંના 90 ટકા ઘરો સૂર્યવંશી ઠાકુરોના છે. તો ચાલો જાણીએ શું છે સરાયરાસી ગામની 500 વર્ષ જૂની પ્રતિજ્ઞા.
500 વર્ષ પહેલાં લીધી હતી પ્રતિજ્ઞા
ગ્રામજનોએ 500 વર્ષ પહેલાં પ્રતિજ્ઞા લીધી હતી કે જ્યાં સુધી ભગવાન રામની પુનઃસ્થાપના ન થાય ત્યાં સુધી તેઓ પાઘડી, ચામડાના બૂટ-ચંપલ નહીં પહેરે અને છત્રીનો ઉપયોગ નહીં કરે. લગ્ન હોય કે અન્ય કોઈ પ્રસંગ હોય, છેલ્લા 500 વર્ષોમાં ગ્રામજનોએ પાઘડી પહેરી નથી, જેને ઠાકુર સમુદાયના લોકોનું ગૌરવ માનવામાં આવે છે.
સૂર્યવંશીઓ માટે ઐતિહાસિક દિવસ
તેમનું કહેવું છે કે 22 જાન્યુઆરી આપણા બધા માટે અને અયોધ્યાના સૂર્યવંશીઓ માટે ઐતિહાસિક દિવસ હશે. આ તે દિવસ છે જ્યારે આપણા પૂર્વજો દ્વારા લેવામાં આવેલી છત્રીનો ઉપયોગ ન કરવાની, પાઘડી અને ચામડાના બૂટ-ચંપલ નહીં પહેરવાની 500 વર્ષ જૂની પ્રતિજ્ઞાનો અંત આવશે. તમને જણાવી દઈએ કે આ સૂર્યવંશીઓ પોતાને ભગવાન રામના વંશજ હોવાનો દાવો કરે છે.
શા માટે લેવી પડી હતી આ પ્રતિજ્ઞા?
ગ્રામજનોનું માનીએ તો જ્યારે 16મી સદીમાં એક સેનાપતિ મીર બાકીને મુઘલ સમ્રાટ બાબરના શાસનકાળ દરમિયાન અવધ પ્રાંતનો રાજ્યપાલ બનાવવામાં આવ્યો હતો, ત્યારે તેણે બાબરી મસ્જિદની સ્થાપના કરી અને તે પહેલીવાર અયોધ્યાના પ્રવાસે આવ્યો. આ દરમિયાન તે ભગવાન રામની લોકપ્રિયતા જોઈને દંગ રહી ગયો અને તેણે રામ મંદિરને નષ્ટ કરી દીધું, ત્યારે મુઘલ સેનાએ આ સ્થળે બાબરી મસ્જિદનું નિર્માણ કર્યું. જે બાદ અહીંના લોકોએ માથું ન ઢાંકવાની એટલે કે પાઘડી નહીં પહેરવાનો સંકલ્પ લીધો હતો. ત્યારથી અત્યાર સુધી આ પ્રાચીન પરંપરાનું પાલન કરવામાં આવે છે.