Parliament Security Breach: સંસદ પર થયેલા આતંકી હુમલાની 22મી વરસી પર બુધવારે લોકસભામાં બનેલી ઘટનામાં ઓછામાં ઓછા 6 લોકોનો હાથ હતો. રિપોર્ટ્સ અનુસાર, દિલ્હી પોલીસના સૂત્રોએ જણાવ્યું છે કે આ તમામ લોકો એકબીજાને ઓળખતા હતા અને ગુરુગ્રામમાં એક જ મકાનમાં રહેતા હતા. તેમણે થોડા દિવસો અગાઉ જ પ્લાન બનાવ્યો હતો અને આ માટે રેકી પણ કરી હતી.
ADVERTISEMENT
ભગત સિંહ અને આંબેડકર ફેન ક્લબના સભ્યો
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ તમામ આરોપીઓ ભગત સિંહ અને આંબેડકર ફેન ક્લબના સભ્યો છે અને લાંબા સમયથી તેની સાથે જોડાયેલા છે. જાણકારી અનુસાર, તેમણે સ્પ્રેનો ઉપયોગ એટલા માટે કર્યો કારણ કે પેમ્ફલેટ અથવા ઝંડા ફેંકીને વિરોધ કરવાથી કોઈને ઈજા થાત. ધરપકડ કરાયેલા ચારેય આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
ગૃહની ચેમ્બરમાં કૂદ્યા અને સૂત્રોચ્ચાર કર્યા
લોકસભાની વિઝિટર ગેલેરીમાં બેઠેલા સાગર શર્મા અને મનોરંજન ડી ઝીરો અવર દરમિયાન અચાનક જ ગૃહની ચેમ્બરમાં કૂદી પડ્યા હતા, જ્યાં સભ્યો બેઠા હતા. તેઓએ સૂત્રોચ્ચાર કર્યા અને તેમની પાસે એક કેનિસ્ટર પણ હતો, જેમાંથી પીળો ધુમાડો નીકળી રહ્યો હતો. જોકે, સાંસદોએ બંનેને દબોચી લીધા હતા અને સુરક્ષા અધિકારીઓને સોંપી દીધા હતા.
આ ઘટના પાછળ 6 લોકોનો હાથ
આ બંને સિવાય અમોલ શિંદે અને નીલમ સંસદની બહાર સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા, ત્યારે તેઓને પકડી લીધા. આ ચોરેયની દિલ્હી પોલીસે ધરપકડ કરી લીધી હતી. આ સિવાય અન્ય બે લોકોની પણ ઓળખ થઈ છે, જેમના નામ લલિત અને વિક્રમ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ બંનેને આ ઘટનામાં સહયોગી માનવામાં આવી રહ્યા છે અને તેમની શોધ ચાલી રહી છે.
જાણો કોણ છે ધરપકડ કરાયેલા ચાર આરોપીઓ
સાગર શર્મા ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉનો રહેવાસી છે. રિપોર્ટ્સ અનુસાર, તેમના વિઝિટર પાસ પર ભાજપ સાંસદ પ્રતાપ સિન્હાની સહી હતી. મનોરંજન મૈસુરના રહેવાસી છે. તેની પાસે કોમ્પ્યુટર સાયન્સમાં એન્જિનિયરિંગની ડિગ્રી છે. અગાઉ તે બેંગલુરુમાં એક આઈટી કંપનીમાં કામ કરતો હતો અને અવારનવાર દિલ્હી આવતો હતો.
સિવિલ સર્વિસની તૈયારી કરી રહી હતી નીલમ
ચાર આરોપીઓમાંથી એક નીલમ દેવી હરિયાણાના હિસારની રહેવાસી છે. મળતી માહિતી મુજબ, તે સિવિલ સર્વિસ પરીક્ષાની તૈયારી કરી રહી હતી. નીલમના ભાઈના કહેવા પ્રમાણે, તેણે વર્ષ 2020માં કેન્દ્ર સરકાર વિરુદ્ધ ચાલી રહેલા ખેડૂતોના આંદોલનમાં ભાગ લીધો હતો પરંતુ તે કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયેલી નથી. તેણે BA, MA, B.Ed, M.Ed, CTET, MPhil અને NET ક્વોલિફાય કરી છે. તે ઘણી વખત બેરોજગારીનો મુદ્દો ઉઠાવી ચૂકી છે. તે કહેતી હતી કે આટલી લાયકાત હોવા છતાં હું બેરોજગાર છું, આના કરતાં મરી જવું સારું.
પોલીસમાં જોડાવા માંગતો હતો અમોલ શિંદે
અમોલ શિંદે મહારાષ્ટ્રના લાતુરનો રહેવાસી છે. તેના માતા-પિતા મજૂરી કામ કરે છે. તે સેના અને પોલીસમાં જોડાવાનો પ્રયાસ કરી રહ્યો હતો. મળતી માહિતી મુજબ, તેણે પોલીસમાં ભરતી માટે શારીરિક પરીક્ષા પાસ કરી હતી પરંતુ લેખિત પરીક્ષામાં તે નાપાસ થયો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે અમોલ શિંદે છેલ્લા કેટલાક દિવસોથી તણાવમાં હતો.
ADVERTISEMENT