Parliament Budget Session: સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થશે. મોદી સરકારના બીજા કાર્યકાળનું આ છેલ્લું બજેટ સત્ર હશે. સૂત્રોનું માનીએ તો આ સત્ર 9 ફેબ્રુઆરી સુધી ચાલશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 31 જાન્યુઆરીએ સંસદના બંને ગૃહોને સંબોધિત કરશે. તે પછી 1 ફેબ્રુઆરીએ નાણામંત્રી નિર્મલા સીતારમણ વચગાળાનું બજેટ રજૂ કરશે.
મહિલાઓ અને ખેડૂતો માટે થશે મોટી જાહેરાત!
સંસદનું આ બજેટ સત્ર મોદી સરકારના બીજા કાર્યકાળનું છેલ્લું સત્ર હશે. લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને મોદી સરકાર આ વચગાળાના બજેટમાં મહિલાઓ અને ખેડૂતોને લગતી મોટી જાહેરાતો કરી શકે છે. સૂત્રોનું માનીએ તો સરકાર ખેડૂતોને મળતી કિસાન સન્માન નિધિને બમણી કરવાનો પ્રસ્તાવ લાવી શકે છે.
4 ડિસેમ્બરે શરૂ થયું હતું શિયાળું સત્ર
આ પહેલા ગયા વર્ષે 4 ડિસેમ્બરે સંસદનું શિયાળુ સત્ર શરૂ થયું હતું, જે નિર્ધારિત સમયના એક દિવસ પહેલા સમાપ્ત થયું હતું. આ સત્ર મહત્વનું હતું કારણ કે આ દરમિયાન સરકારે અપરાધ અને ન્યાય સંબંધિત નવા બિલ પાસ કર્યા હતા.
સંસદની સુરક્ષા પર ઉઠ્યા સવાલો
આ સિવાય આ દરમિયાન બીજી એક મહત્વની ઘટના બની હતી, જેણે સંસદની સુરક્ષા પર સવાલો ઉભા કર્યા હતા. વાસ્તવમાં, લોકસભાની કાર્યવાહી દરમિયાન પ્રેક્ષક ગેલેરીમાં બેઠેલા બે યુવાનો સાંસદોની બેંચ પર પહોંચ્યા અને આ દરમિયાન તેઓએ પીળો ગેસ પણ છોડ્યો હતો. જોકે, સાંસદોએ તે યુવકોને પકડીને સુરક્ષા દળોને હવાલે કર્યા હતા.
વિપક્ષી દળોએ કરી હતી આ માંગ
આ ઘટના બાદ વડાપ્રધાન અને ગૃહમંત્રી સંસદમાં આ મામલે નિવેદન આપે તેવી માંગણી વિપક્ષે કરી હતી, જેના કારણે વિપક્ષના સાંસદોએ સંસદની મર્યાદાઓનું પણ ઉલ્લંઘન કર્યું હતું, જેને જોતા લોકસભા અને રાજ્યસભાના અધ્યક્ષે વિપક્ષના અનેક સાંસદોને સસ્પેન્ડ કર્યા હતા.