મુંબઈઃ મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના બોઈસર એમઆઈડિસી વિસ્તારની એક કેમિકલ કંપનીમાં આગ લાગવાનો બનાવ બન્યો છે. આગ એટલી ભયાનક અને વિકરાળ હતી કે તેમાં 3 વ્યક્તિએ જીવ ગુમાવ્યા છે જ્યારે 10થી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. આ ઘટનામાં વિગતો એવી પણ સામે આવી છે કે આગમાં કંપનીમાં રહેલું બોઈલર ફાટવાને કારણે વધુ ગંભીર સ્વરૂપ જોવા મળ્યું હતું. ફાયર વિભાગના કર્મચારીઓ આગના બનાવની જાણ થતા સ્થળ પર દોડી ગયા હતા. જોકે હાલ (આ લખાય છે ત્યારે) એવી વિગતો મળી રહી છે કે હજુ પણ કેટલાક લોકો અંદર ફસાયા હોઈ શકે છે.
ADVERTISEMENT
બોઈલરનો ધડાકો થતા ગંભીર પરિણામ
મહારાષ્ટ્રના પાલઘર ખાતે આવેલી બોઈસર એમઆઈડીસીમાં આવેલી એક કેમિકલ કંપનીના બોઈલરમાં બુધવારે બોઈલર ફાટ્યું હતું. આ બોઈલર ફાટવા અંગે ફાયર વિભાગનું એવું કહેવું છે કે, લોકોને બહાર કાઢવાના પ્રયત્નો અમે કરી રહ્યા છીએ અને અમારી ટીમ સ્થળ પર હાજર છે તે આગને કાબુમાં કરી લેશે. જોકે બોઈલર કેમ ફાટ્યું તેની જાણકારી હાલ પ્રારંભિક ધોરણે સામે આવી રહી નથી. શક્ય છે કે બાદમાં તપાસ દરમિયાન તે અંગે સત્તાવાર વિગતો મળી રહે જોકે હાલ એટલી જ આશંકાઓ છે કે કેમિકલ લીકેજ થયું હોઈ શકે છે.
ઘાયલોને હોસ્પિટલ લઈ જવાયા
પાલઘરની ઘટનાએ લગભગ દરેકને ચિંતામાં મુકી દીધા છે. આ મામલાની જાણ થતા રાહત કાર્યો શરૂ કરી દેવાયા છે જ્યારે અંદર કેટલા લોકો હજુ પણ ફસાયેલા છે તેની સત્તાવાર વિગતો બહાર આવી નથી. આ ઘટનામાં 3 વ્યક્તિના મોત નિપજ્યા છે જ્યારે ઘાયલ થયેલા વ્યક્તિઓને તુરંત સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
અગાઉ પણ બની હતી ઘટના
તમને જણાવી દઈએ કે આ પહેલા 25 સપ્ટેમ્બરે અમરાવતીની સરકારી જિલ્લા મહિલા હોસ્પિટલના નિયોનેટલ સુપિરિયોરિટી વિભાગ (SNCU)માં આગ લાગી હતી. જ્યારે આગ લાગી ત્યારે વોર્ડમાં 35 નવજાત શિશુ દાખલ હતા. જેમાં ચાર બાળકોને ઓક્સિજન મુકી અન્ય હોસ્પિટલમાં ખસેડાયા હતા. સદનસીબે ફાયર વિભાગે સમયસર આગ પર કાબુ મેળવી લીધો હતો અને કોઈ જાનહાની થઈ ન હતી.
ADVERTISEMENT