બાલાસોર: ઓડિશાના બાલાસોર જિલ્લામાં શુક્રવારે એક મોટો ટ્રેન અકસ્માત થયો હતો. શુક્રવારે સાંજે બહાનાગા રેલવે સ્ટેશન પાસે પેસેન્જર ટ્રેન કોરોમંડલ એક્સપ્રેસના ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ દરમિયાન નજીકના ટ્રેક પરથી પસાર થતી વખતે યશવંતપુરથી હાવડા જતી એક્સપ્રેસ ટ્રેન નીચે ઉતરી ગયેલા ડબ્બા સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 237 લોકોના મોત થઈ ચૂક્યા છે અને 900થી વધુ લોકો ઘાયલ થયા છે. દુર્ઘટના સમયે, કોરોમંડલ એક્સપ્રેસમાં સવાર એક મુસાફરે તેણે પોતાની આંખો દ્વારા જોયેલી પરિસ્થિતિનું વર્ણન કર્યું.
ADVERTISEMENT
10-15 લોકો આવીને પડ્યા
આ મુસાફરે જણાવ્યું કે, થાકને કારણે તે ઊંઘી ગયો હતો. જ્યારે ટ્રેન અકસ્માત થયો ત્યારે તરત જ તેની આંખ ખુલી ગઈ. ડબ્બો પલટી ગયો હતો. તેમાં સવાર 10-15 લોકો તેની ઉપર પડ્યા હતા. તે બધાની નીચે દટાઈ ગયો. જેના કારણે તેના હાથ અને ગળાના ભાગે ઈજાઓ થઈ હતી. જ્યારે તે કોઈ રીતે ટ્રેનના ડબ્બામાંથી બહાર આવ્યો ત્યારે તેણે જે દ્રશ્ય જોયું તે ભયાનક હતું. તેણે જોયું કે કોઈનો હાથ કપાઈ ગયો હતો. કોઈનો પગ કપાઈ ગયો. કોઈનો ચહેરો બગડ્યો હતો.
કોઈનું માથું, હાથ-પગ ગાયબ હતા
કોરોમંડળ એક્સપ્રસેના અન્ય એક પેસેન્જરે કહ્યું કે, અમે S5 ડબ્બામાં હતા અને અકસ્માત થયો ત્યારે હું સૂઈ રહ્યો હતો… અમે જોયું કે કોઈનું માથું, હાથ, પગ ગાયબ હતા… અમારી સીટની નીચે એક 2 વર્ષનું બાળક હતું જે સંપૂર્ણપણે સલામત હતું. બાદમાં અમે તેના પરિવારને બચાવ્યો.
મૃતકોને રૂ.10 લાખના વળતરની જાહેરાત
રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ આજે અકસ્માત સ્થળની મુલાકાત લેશે. આ સાથે તેમણે વળતરની પણ જાહેરાત કરી છે. તેમણે ટ્વીટ કર્યું કે, મૃતકોના પરિવારજનો માટે ₹10 લાખ, ગંભીર રીતે ઈજાગ્રસ્તોને ₹2 લાખ અને સામાન્ય ઈજાગ્રસ્તોને ₹50,000ની સહાયની જાહેરાત કરવામાં આવી છે.
ADVERTISEMENT