Minister Purusottam Rupala News: ઓડિશાના ચિલ્કા સરોવરમાં રવિવારે સાંજે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાને લઈ જતી બોટ લગભગ બે કલાક સુધી ફસાઈ ગઈ હતી. એક અધિકારીએ આ માહિતી આપી હતી. શરૂઆતમાં એવું માનવામાં આવતું હતું કે, માછીમારો દ્વારા નાખેલી જાળના કારણે બોટ ફસાઈ ગઈ હતી, પરંતુ બાદમાં કેન્દ્રીય મંત્રીએ સ્પષ્ટતા કરી કે તેમની બોટ રસ્તો ભટકી ગઈ છે.
ADVERTISEMENT
સંબિત પાત્રા પણ મંત્રી સાથે હાજર હતા
મામલો પ્રકાશમાં આવતાં જ વહીવટીતંત્રે બીજી બોટ મોકલી જેમાંથી કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રીને બહાર કાઢીને તેમના ગંતવ્ય સ્થાન પર લઈ જવામાં આવ્યા હતા. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રા અને અન્ય કેટલાક સ્થાનિક પક્ષના નેતાઓ પણ રૂપાલા સાથે બોટ પર હાજર હતા. આ ઘટના ત્યારે બની જ્યારે મંત્રીએ ખુર્દા જિલ્લાના બરકુલથી તેમની યાત્રા શરૂ કરી અને બ્લુ લગૂન (ફેરી) દ્વારા પુરી જિલ્લાના સાતપારા જઈ રહ્યા હતા.
મંત્રીને બીજી બોટ દ્વારા બહાર કઢાયા
મંત્રીના કાફલાના ફરજ પર તૈનાત એક સુરક્ષા અધિકારીએ જણાવ્યું હતું કે, મોટરવાળી બોટ નલબાના પક્ષી અભયારણ્ય પાસે સરોવરની વચ્ચે લગભગ બે કલાક સુધી અટવાઈ રહી હતી. બાદમાં મીડિયા સાથે વાત કરતા મંત્રીએ કહ્યું, ‘અંધારું હતું અને બોટ ચલાવતા નાવિકને પણ માર્ગની જાણ નહોતી. તેથી અમે રસ્તો ભૂલી ગયા હતા. અમને સતપાડા પહોંચવામાં બે કલાકથી વધુ સમય લાગ્યો હતો.’ વહીવટીતંત્રે તરત જ સતપાડાથી બીજી બોટ મોકલી જેમાં મંત્રી અને તેમના સાથીદારો ગંતવ્ય સ્થાને પહોંચવા માટે બેઠા હતા.
બોટ ફસાતા સરકારી કાર્યક્રમ રદ કરાયો
રૂપાલા પુરી જિલ્લાના કૃષ્ણપ્રસાદ વિસ્તાર પાસે એક કાર્યક્રમમાં હાજરી આપવાના હતા. જો કે, આ ઘટના સામે આવ્યા પછી, તે છેલ્લી ક્ષણે રદ કરવામાં આવ્યો હતો. અધિકારીએ જણાવ્યું કે, રૂપાલા લગભગ 10.30 વાગ્યે પુરી પહોંચ્યા. કેન્દ્રીય મંત્રી ‘સાગર પરિક્રમા’ કાર્યક્રમના 11મા તબક્કા હેઠળ માછીમારો સાથે વાતચીત કરવા ઓડિશાની મુલાકાતે છે. અગાઉના દિવસે, તેમણે ગંજમ જિલ્લાના ગોપાલપુર બંદર પરથી કાર્યક્રમની શરૂઆત કરી હતી.
ADVERTISEMENT