નવી દિલ્હી: દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. રવિવારે ઉત્તર ભારતના ઘણા ભાગોમાં ભારે વરસાદ પડ્યો હતો. ભૂસ્ખલન અને વરસાદને કારણે 19 લોકોના મોત થયા છે, જ્યારે દિલ્હીમાં યમુના સહિતની મોટાભાગની નદીઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને દિલ્હી સહિત અનેક સ્થળોએ વરસાદથી બેકાબૂ થયેલી સ્થિતિની ભયાનક તસવીરો, પાણી ભરાયેલા રસ્તાઓ પર કાગળની બોટની જેમ તરતા વાહનો, તૂટતા પુલ, રહેણાંક વિસ્તારોમાં ગંદુ પાણી, ગાંડીતૂર થયેલી નદીઓ, જમીન ધસી જવાને કારણે મંદિરો ડૂબી જવાના વીડિયો સામે આવ્યા છે.
ADVERTISEMENT
જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ અને હિમાચલ પ્રદેશના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે, જ્યારે દિલ્હીમાં 1982 પછી જુલાઈમાં એક જ દિવસમાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો. અહીં અધિકારીઓએ યમુનાના વધતા જળ સ્તરને લઈને ચેતવણી આપી છે. IMD અનુસાર, રવિવારે સવારે 8:30 વાગ્યા સુધી, છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં 153 મીમી વરસાદ નોંધાયો હતો, જ્યારે હરિયાણાના ચંદીગઢમાં 322.2 મીમી અને અંબાલામાં 224.1 મીમી વરસાદ નોંધાયો હતો.
હિમાચલ પ્રદેશના સોલનમાં રવિવારે 135 મીમી વરસાદ નોંધાયો હતો, જેણે 1971 માં એક દિવસમાં 105 મીમીનો 50 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો હતો, જ્યારે ઉનામાં 1993 પછી સૌથી વધુ વરસાદ થયો હતો, એમ શિમલા હવામાન ઓફિસના ડિરેક્ટર સુરેન્દ્ર પોલે જણાવ્યું હતું.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, સામાન્ય જનજીવન ઠપ થવાને કારણે દિલ્હી અને તેની નજીકના NCR શહેરો ગુરુગ્રામ અને નોઈડામાં સોમવારે શાળાઓ બંધ રહેશે. ગાઝિયાબાદમાં વરસાદના કારણે બે દિવસ અને પછી ‘કાવડ યાત્રા’ના કારણે 17 જુલાઈ સુધી શાળાઓ બંધ રહેશે.
વરસાદને કારણે રેલ્વે સેવાઓ પણ પ્રભાવિત થઈ છે. ઉત્તર રેલ્વેએ જણાવ્યું હતું કે તેણે લગભગ 17 ટ્રેનો રદ કરી છે અને 12 અન્યને ડાયવર્ટ કરી છે, જ્યારે પાણી ભરાવાને કારણે ચાર સ્થળોએ ટ્રાફિક સ્થગિત કરવામાં આવ્યો છે.
હિમાચલ પ્રદેશમાં ભૂસ્ખલનની ત્રણ અલગ-અલગ ઘટનાઓમાં 10 જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે, જ્યારે અહીં 5 લોકોના મોત થયા છે. શિમલાના કોટગઢ વિસ્તારમાં ભૂસ્ખલન બાદ મકાન ધરાશાયી થતાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત થયા હતા. કુલ્લુ અને ચંબા જિલ્લામાંથી એક-એકનું મોત થયું છે. શિમલાના બહારી વિસ્તારમાં આવેલા રજાણા ગામમાં, વરસાદના પાણીથી ધોવાઈ ગયેલો કાટમાળ એક છોકરીના ઘર પર પડ્યો. અધિકારીઓએ જણાવ્યું કે એક વૃદ્ધ મહિલા કાટમાળમાં ફસાયેલી છે અને બચાવ કામગીરી ચાલુ છે.
હિમાચલ પ્રદેશમાં ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યા અનુસાર, છેલ્લા 36 કલાકમાં 14 મોટા ભૂસ્ખલન અને 13 જગ્યાએ પૂરના અહેવાલ છે, જ્યારે 700 થી વધુ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. હિમાચલ પ્રદેશ સરકારે સોમવાર અને મંગળવાર એમ બે દિવસ માટે રાજ્ય સાથે જોડાયેલી તમામ શાળાઓ અને કોલેજોને બંધ કરી દીધી છે.
ઉત્તરાખંડમાં 3 લોકોના મોત
તે જ સમયે, ઉત્તરાખંડમાં ઋષિકેશ-બદ્રીનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ગુલર પાસે ભૂસ્ખલન વચ્ચે જીપ નદીમાં પડી જતાં ત્રણ તીર્થયાત્રીઓ ગંગામાં ડૂબી ગયા હતા. સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ અને પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે જીપમાં 11 લોકો સવાર હતા. તેમણે કહ્યું કે પાંચ લોકોને બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે અન્ય ત્રણની શોધ ચાલી રહી છે અને બચાવ કર્મચારીઓ દ્વારા ત્રણ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે.
જમ્મુ-કાશ્મીરમાં વરસાદે તબાહી મચાવી છે
જમ્મુ અને કાશ્મીરના ડોડા જિલ્લામાં ભૂસ્ખલનથી મુસાફરોની બસ અથડાતાં બે લોકોના મોત થયા હતા, જ્યારે લદ્દાખના કારગિલ જિલ્લામાં લેહ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર પહાડ પરથી પડેલા પથ્થરની નીચે એક વાહન કચડાઈ ગયું હતું. એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. કેન્દ્રશાસિત પ્રદેશના પૂંચ જિલ્લામાં ડોગરા નાળાને પાર કરતી વખતે અચાનક પૂરમાં વહી ગયેલા બે સૈનિકોના મૃતદેહ મળી આવ્યા હતા. તે જ સમયે, શ્રીનગરમાં ભારે વરસાદથી થોડી રાહત મળી હતી અને ત્રણ દિવસ માટે સ્થગિત કર્યા પછી, અમરનાથની યાત્રા રવિવારે પંજતરણી અને શેષનાગ બેઝ કેમ્પથી ફરી શરૂ થઈ છે.
ADVERTISEMENT