રાજકારણ: ચૂંટણી પહેલા જ INDIA ગઠબંધનમાં ડખ્ખા, નીતિશ કુમારે કહ્યું- કોંગ્રેસ પાસે તો સમય નથી

Lok Sabha Election 2024: ભાજપ વિરુદ્ધ એકજૂથ થયેલા વિપક્ષી ગઠબંધન ‘ઈન્ડિયા’માં નવો વિવાદ શરૂ થઈ ગયો છે. યુપીના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ બાદ મહાગઠબંધનનો મુખ્ય…

gujarattak
follow google news

Lok Sabha Election 2024: ભાજપ વિરુદ્ધ એકજૂથ થયેલા વિપક્ષી ગઠબંધન ‘ઈન્ડિયા’માં નવો વિવાદ શરૂ થઈ ગયો છે. યુપીના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ બાદ મહાગઠબંધનનો મુખ્ય ચહેરો બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે કોંગ્રેસ પર સવાલો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસને પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં વધુ રસ છે. નીતીશ કુમારનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે મધ્યપ્રદેશમાં વિપક્ષી ગઠબંધન ‘ઈન્ડિયા’માં સામેલ પાર્ટીઓ આમ આદમી પાર્ટી, સમાજવાદી પાર્ટી અને જેડીયુએ ઘણી સીટો પર ઉમેદવારો ઉતાર્યા છે. અખિલેશ યાદવે તો તાજેતરમાં જ કહ્યું હતું કે યુપીમાં પણ આવું જ થશે.

INDIAથી વધારે વિધાનસભા ચૂંટણી પણ કોંગ્રેસનું ધ્યાનઃ નીતિશ કુમાર

જનતા દળ યુનાઈટેડના નેતા નીતીશ કુમારે ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (સીપીઆઈ) દ્વારા આયોજિત ‘ભાજપ હટાઓ, દેશ બચાવો’ રેલીમાં જણાવ્યું હતું કે, વિપક્ષી ગઠબંધન ‘ઈન્ડિયન નેશનલ ડેવલપમેન્ટ ઈન્ક્લૂસિવ એલાયન્સ’ (INDIA) કરતા વધારે કોંગ્રેસનું ધ્યાન આગામી સમયમાં પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી પર છે. નવેમ્બરમાં અલગ-અલગ તારીખે મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, રાજસ્થાન, તેલંગાણા અને મિઝોરમમાં વિધાનસભાની ચૂંટણી છે. તેનું પરિણામ 3 ડિસેમ્બરે આવશે.

નીતિશ કુમારે શું કહ્યું?

નીતીશ કુમારે કહ્યું કે, ”અત્યારે તો વધારે કામ નથી થઈ રહ્યું, પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી છે. કોંગ્રેસ પાર્ટીને તો તેમાં જ વધારે રસ છે. કોંગ્રેસ પાર્ટીને આગળ રાખીને તેને (ઈન્ડિયા ગઠબંધનને) વિસ્તારવા માટે અમે બધા એકજુથ થઈને કામ કરી રહ્યા હતા, પરંતુ તેમને આની કોઈ ચિંતા જ નથી. તેઓ હાલમાં પાંચ રાજ્યોમાં યોજાનારી ચૂંટણીમાં વ્યસ્ત છે. જ્યારે ચૂંટણી પૂર્ણ થઈ જશે ત્યારે આપોઆપ બધાને બોલાવશે. અત્યારે તેની ચર્ચા થઈ રહી નથી.”

કોંગ્રેસે શું કહ્યું?

નીતિશ કુમારના નિવેદન પર બિહાર કોંગ્રેસના અધ્યક્ષ અખિલેશ પ્રસાદ સિંહે કહ્યું કે, મેં સાંભળ્યું છે. આના પરથી તો એવું જ લાગે છે કે તેઓ (નીતીશ કુમાર) ઈચ્છે છે કે મોદી સરકારને વહેલી તકે હટાવી દેવામાં આવે. જ્યારે યોગ્ય સમય આવશે એટલે કે ચૂંટણી આવશે ત્યારે મોદી સરકારને હટાવવામાં આવશે. તેમનું (નીતીશ કુમાર) કહેવું હતું કે, કોંગ્રેસ રાજ્યોની ચૂંટણીમાં વ્યસ્ત છે. આવી સ્થિતિમાં આ પછી કોંગ્રેસ બેઠક બોલાવશે.

અખિલેશ પ્રસાદ સિંહે કહ્યું કે, ”આ પહેલા પણ સદાકત આશારામ (પટનામાં કોંગ્રેસ કાર્યાલય)માં લાલુ પ્રસાદ (RJD અધ્યક્ષ) આવ્યા હતા અને કહ્યું હતું કે, ઈન્ડિયા બ્લોકની પહેલી રેલી પટનાના ગાંધી મેદાનમાં યોજાશે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે એવું જ કહ્યું છે કે, જે પક્ષો એકસાથે આવ્યા છે, તેઓએ વધારે સક્રિય થવું જોઈએ. તેમણે જે કંઈપણ કહ્યું તેમાં કંઈ ખોટું નથી. મારું માનવું છે કે રાજ્યોથી દેશ બને છે. આ કારણોસર પાંચ રાજ્યોની ચૂંટણી પણ મહત્વની છે.”

I.N.D.I.A. સામે શું છે પડકાર?

વિપક્ષી ગઠબંધન ‘ઈન્ડિયા’ની ત્રણ બેઠકો થઈ ચૂકી છે. પ્રથમ બેઠક બિહારના પટનામાં અને બીજી બેંગલુરુમાં યોજાઈ હતી. તો મુંબઈમાં ગઠબંધનની છેલ્લી બેઠક 31 ઓગસ્ટ અને 1 સપ્ટેમ્બરના રોજ યોજાઈ હતી. જેમાં સંકલન સમિતિ બનાવવાનું નક્કી કરાયું હતું. આ પછી દિલ્હીમાં સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. જોકે, આ પછી ઈન્ડિયા ગઠબંધને એકતાની વાતને પુનરાવર્તિત કરી હતી, પરંતુ કોઈ ચોક્કસ નિર્ણય લીધો ન હતો. આ ગઠબંધન સામે સૌથી મોટો પડકાર સીટોની વહેંચણીનો છે.

 

    follow whatsapp