NGT Notice to States: નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) એ ભૂગર્ભજળમાં આર્સેનિક અને ફ્લોરાઈડની હાજરીને લગતા કેસમાં 24 રાજ્યો અને ચાર કેન્દ્રશાસિત પ્રદેશોને નોટિસ પાઠવી છે. NGTએ જણાવ્યું હતું કે, આ ધાતુઓ અથવા રસાયણોની હાજરી એ “ખૂબ જ ગંભીર” બાબત છે અને તેને “ત્વરિત નિવારક અને રક્ષણાત્મક પગલાં” ની જરૂર છે. એનજીટી એક મીડિયા રિપોર્ટની સુઓમોટો સુનાવણી કરી રહી છે જેમાં કહેવામાં આવ્યું હતું કે, વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના કેટલાક ભાગોમાં ભૂગર્ભજળમાં આર્સેનિક અને ફ્લોરાઈડની હાજરી સ્વીકાર્ય મર્યાદા કરતાં વધુ છે.
ADVERTISEMENT
વોટર ઓથોરિટીએ ભૂગર્ભજળમાં હાનિકારક તત્વોની હાજરી સ્વીકારી
સમાચારમાં કહેવામાં આવ્યું હતું કે 25 રાજ્યોના 230 જિલ્લાના કેટલાક ભાગોમાં ભૂગર્ભજળમાં આર્સેનિક મળી આવ્યું છે, જ્યારે 27 રાજ્યોના 469 જિલ્લાના કેટલાક ભાગોમાં ફ્લોરાઈડ મળી આવ્યું છે. ન્યાયિક સદસ્ય જસ્ટિસ સુધીર અગ્રવાલ અને વિશેષ સભ્ય એ. સેંથિલ વેલની બેન્ચે કહ્યું કે, સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર ઓથોરિટીએ એક રિપોર્ટ રજૂ કર્યો છે જેમાં તેણે જિલ્લાઓ અને રાજ્યોમાં આર્સેનિક અને ફ્લોરાઈડની હાજરી સ્વીકારી છે.
રસાયણો-ધાતુવાળું પાણી શરીર માટે હાનિકારક
ખંડપીઠે કહ્યું, “એ પણ સ્વીકારવામાં આવ્યું છે કે બંને રસાયણો અથવા ધાતુઓ માનવ શરીર અને આરોગ્ય પર ખૂબ જ ગંભીર અસર કરે છે અને સ્વાસ્થ્ય માટે જોખમો પેદા કરે છે.” ટ્રિબ્યુનલે 28 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો તેમજ કેન્દ્રીય ભૂગર્ભ જળ પ્રાધિકરણ અને કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયને આ કેસમાં પક્ષકારો અથવા પ્રતિવાદી તરીકે બનાવ્યા છે.
આ રાજ્યોને અપાઈ નોટિસ
બેન્ચે કહ્યું, “ઉપરોક્ત તમામ પ્રતિવાદીઓને નોટિસ જારી કરો. બેન્ચે એક મહિનામાં તેનો જવાબ માંગ્યો છે. જે રાજ્યોને નોટિસ મોકલવામાં આવી છે તેમાં આંધ્ર પ્રદેશ, આસામ, બિહાર, છત્તીસગઢ, ગુજરાત, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, કર્ણાટક, કેરળ, મધ્ય પ્રદેશ, મણિપુર, ઓડિશા, પંજાબ, રાજસ્થાન, તમિલનાડુ, તેલંગાણા, ત્રિપુરા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, મેઘાલય અને નાગાલેન્ડનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત કેન્દ્રશાસિત પ્રદેશો જમ્મુ-કાશ્મીર, દાદરા અને નગર હવેલી, દિલ્હી અને પોડુંચેરીને પણ નોટિસ મોકલવામાં આવી છે. આ કેસમાં સુનાવણીની આગામી તારીખ 15 ફેબ્રુઆરી નક્કી કરવામાં આવી છે.
ADVERTISEMENT