DeepFake Row: ડીપફેક મુદ્દે સોશિયલ મીડિયા કંપનીઓ સાથેની બેઠક બાદ કેન્દ્રીય સંચાર, ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે (IT minister Ashwini Vaishnaw) કહ્યું છે કે અમે બધા એ વાત પર સહમત થયા છીએ કે આગામી થોડા દિવસમાં ડીપફેક વિરુદ્ધ સ્પષ્ટ અને કાર્યવાહી યોગ્ય કાયદો બનાવવામાં આવશે. તમામ ટેક કંપનીઓએ કહ્યું છે કે ડીપફેકને ફ્રી સ્પીચ હેઠળ રાખી શકાય નહીં.
ADVERTISEMENT
ડીપફેક સમાજ માટે હાનિકારક
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને અન્ય ટેક કંપનીઓએ કહ્યું છે કે ડીપફેક એવી વસ્તુ છે જે ખરેખર સમાજ માટે હાનિકારક છે. ટૂંક સમયમાં જ ડીપફેકને લઈને નવો કાયદો બનાવવામાં આવશે. મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે ડીપફેક લોકશાહી માટે નવો ખતરો બનીને ઉભરી આવ્યું છે. તેમણે જણાવ્યું કે, “અમારી આગામી બેઠક ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં યોજાશે જે આજના નિર્ણયો પર આધારિત હશે. આગામી બેઠકમાં એ નક્કી થશે કે ડીપફેકને રેગ્યુલેટ કરતા નિયમોમાં શું-શું સામેલ કરવું જોઈએ.’
ઘણા ડીપફેક વીડિયો થયા છે વાયરલ
આપને જણાવી દઈએ કે, છેલ્લા કેટલાક દિવસોમાં ઘણા ડીપફેક વીડિયો વાયરલ થયા છે, જેમાં સચિન તેંડુલકરની દીકરી અને સાઉથ એક્ટ્રેસ રશ્મિકા મંદન્નાના વીડિયોનો પણ સમાવેશ થાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પણ એક ડીપ ફેક વીડિયો વાયરલ થયો હતો, જેમાં તેઓને ગરબા રમતા દેખાડવામાં આવ્યા હતા.
ડીપફેક શું છે?
‘ડીપફેક’ એ એક ડિજિટલ ટ્રિક છે જેના દ્વારા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ કરીને યુઝર્સ સરળતાથી કોઈ વ્યક્તિની છબીને અન્ય વ્યક્તિની છબી સાથે બદલી શકે છે. સામાન્ય ભાષામાં કહીએ તો સાચા વીડિયોમાં બીજાના ચહેરાને લગાવીને બનાવેલ વીડિયોને ડીપફેક કહેવામાં આવે છે. જેને જોઈને તમે એકા વાર તો એ વીડિયો પર પૂરેપૂરો વિશ્વાસ કરવા લાગો. ડીપફેક દ્વારા વીડિયો અને ફોટા બનાવવામાં આવે છે. ડીપફેક વીડિયો બનાવવા માટે મશીન લર્નિંગ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરવામાં આવે છે. ટેક્નોલોજી અને સોફ્ટવેરની મદદથી સાચા જેવો જ બનાવટી વીડિયો અને ઓડિયો બનાવવામાં આવે છે.
ADVERTISEMENT