બનાસકાંઠા : ઠાકોર સમાજના આગેવાન તથા અખિલ ઠાકોર એકતા સમિતીના અધ્યક્ષ નવઘણ ઠાકોરે સરકાર વિરુદ્ધ રણશિંગુ ફૂંક્યું છે. નવઘણ ઠાકોરે ભુમાફીયાઓ વિરુદ્ધ ચિમકી ઉચ્ચારી છે કે, ઠાકોર સમાજની 70 ટકા જમીન ભૂમાફિયાઓએ પચાવી પાડી છે. જો એક મહિનાની અંદર આ પચાવી પાડેલી જમીન પરત લેવામાં નહી આવે તો મહાપંચાયત બોલાવાશે. નવઘણ ઠાકોરના નિવેદન આપતો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.
ADVERTISEMENT
નવઘણજી ઠાકોરે કહ્યું કરોડો રૂપિયાની જમીન પચાવી પાડવાનો કારસો
નવઘણજી ઠાકોરે કહ્યું કે, છેલ્લા 2 મહિનાથી સમગ્ર ગુજરાતનો પ્રવાસ કરી રહ્યો છું. આ પ્રવાસમાં મને જાણવા મળ્યું છે કે, ઠાકોર સમાજની કરોડોની કિંમત અસામાજિક તત્વો દ્વારા ખોટી ચિઠ્ઠી, ખોટા બાનાખત, ખોટી નોટરી, ખોટા કાગળ દ્વારા ધામધમકીથી પચાવી પાડી છે. જો કે હવે હું આ અંગેની એક લડત શરૂ કરવા જઇ રહ્યો છું. જે લોકો આવી ખોટી જમીનો પચાવીને બેઠા છે તે ખાલી કરી નાખે નહી તો આગળ સ્થિતિ જે પણ બને તેના માટે પોતે જ જવાબદાર રહેશે.
સરકાર પગલા નહી લે તો મહાપંચાયત નિર્ણય લેશે
એક જ મહિનામાં કબજે કરેલી જમીનો પરત નહી આપવામાં આવે તો મહાપંચાયત બોલાવાશે. ટૂંક જ સમયમાં ડખામાં પડેલી જમીનો હાથ પર લઇને સમગ્ર ગુજરાતના ઠાકોર સમાજના આગેવાનોને સાથે રાખીને મહાપંચાયત બોલાવાશે. સમાજ પર કોઇ પણ પ્રકારના અત્યાચાર કે અન્યાય ચલાવી લેવામાં આવશે નહી. જેણે પણ ખોટું કર્યું હશે તેને છોડવામાં નહી આવે.
ADVERTISEMENT