મહારાષ્ટ્રના નાગપુરમાં 300 કરોડની સંપત્તિ હડપ કરવા માટે પુત્રવધૂએ સોપારી આપીને સસરાની હત્યા કરાવી નાખી. આ મામલાને શરૂઆતમાં એક અકસ્માત તરીકે બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ પોલીસની સતર્કતા અને પરિવારજનોએ વ્યક્ત કરેલી હત્યાની આશંકાથી ઘટનાનો અલગ જ વળાંક આવ્યો.
ADVERTISEMENT
22 મેના રોજ બની હતી ઘટના
વાસ્તવમાં, 22 મેના રોજ નાગપુરના માનેવાડા પરિસરમાં પુરૂષોત્તમ પુટ્ટેવાર (82 વર્ષ)ને એક કારે ટક્કર મારી હતી. આ અકસ્માતમાં તેમનું મોત થયું હતું. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. પોલીસે પ્રાથમિક તબક્કે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો હતો.
પોલીસ તપાસમાં થયા ખુલાસા
આ ઘટના બાદ મૃતકના ભાઈએ પુરુષોત્તમ પુટ્ટેવારની હત્યા કરવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો હતો. જે બાદ પોલીસે આને ધ્યાનમાં રાખીને તપાસ કરી તો એક બાદ એક અનેક ચોંકાવનારા ખુલાસા થયા.
આકરી પૂછપરછમાં કરી કબૂલાત
આ કેસમાં સીસીટીવીના આધારે પોલીસે કાર ચાલક નીરજ નિમજે અને સચિન ધાર્મિકની અટકાયત કરીને પૂછપરછ કરી હતી. તપાસ દરમિયાન બંનેએ પોલીસને જણાવ્યું કે તેઓએ પુરૂષોત્તમ પુટ્ટેવારની પુત્રવધૂ અર્ચના પુટ્ટેવાર પાસેથી પૈસા લીધા હતા અને કાર વડે તેમના સસરાને ટક્કર મારી હતી.
પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી
પોલીસે આ સોપારી કિલિંગ મામલે અત્યાર સુધીમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. પુત્રવધૂ અર્ચનાની નજર પુરુષોત્તમની 300 કરોડની પૈતૃક સંપત્તિ પર હતી. ખાસ વાત એ છે કે અર્ચના સરકારી અધિકારી હોવાની હકીકત પણ સામે આવી છે.
નાગપુર ક્રાઈમ બ્રાન્ચ કરી રહી છે તપાસ
આ કેસ અંગે નાગપુરના પોલીસ કમિશનર રવિન્દ્ર સિંઘલે જણાવ્યું કે આ મામલો હાઈ પ્રોફાઈલ છે. નાગપુર ક્રાઈમ બ્રાન્ચની ટીમ આ મામલે તપાસ કરી રહી છે.
ADVERTISEMENT