Crime News: બિહારના મુઝફ્ફરપુરમાં એક 12 વર્ષના બાળકની હત્યાનો સનસનીખેજ મામલો સામે આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે 900 રૂપિયાની ચોરીના આરોપમાં માસુમની હત્યા કરીને મૃતદેહને ઝાડ સાથે લટકાવી દેવામાં આવ્યો. જાણ થતાં જ પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃતદેહને કબજામાં લઈ લીધો અને પોસ્ટ મોર્ટમ માટે મોકલીને તપાસ શરૂ કરી. આ ઘટના બાદ આ વિસ્તારમાં હડકંપ મચી ગયો.
ADVERTISEMENT
12 વર્ષના માસુમનો મળી આવ્યો મૃતદેહ
આ ઘટના જેતપુર પોલીસ સ્ટેશન વિસ્તારના દુબિયાહી ગામમાં બની હતી. જ્યાં 12 વર્ષના માસુમ બાળકનો મૃતદેહ ઝાડ પર લટકતી હાલતમાં મળી આવ્યો હતો. મૃતક બાળકની ઓળખ મકેશ્વર મહતોના પુત્ર વિવેક કુમાર તરીકે થઈ છે. જેની પર 900 રૂપિયાની ચોરીનો આરોપ હતો. કહેવામાં આવી રહ્યું છે કે પંચાયતમાં વિવેક કુમારે પૈસાની ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું.
રાત્રે ગાયબ થઈ ગયો હતો વિવેક
પિતાએ પંચાયતમાં પૈસા પરત આપવાની વાત પણ કરી હતી. તે જ રાત્રે વિવેક કુમાર ગાયબ થઈ ગયો હતો અને સવારે તેનો મૃતદેહ ઝાડ પર લટકતો મળી આવ્યો હતો. મૃતક બાળકની માતા સંગીતા દેવીએ રૂપિયાની ચોરીના મામલામાં હત્યા કરીને મૃતદેહને ઝાડ સાથે લટકાવવાનો આરોપ લગાવ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે વિવેકે નજીકના પોખરૈરા ગામના એક વ્યક્તિના ઘરેથી પૈસાની ચોરી કરી હતી.
પોલીસે કેસ નોંધી તપાસ શરૂ કરી
આ અંગે SDPO ઓ કુમાર ચંદને કહ્યું કે બાળકનો મૃતદેહ મળી આવ્યો છે. એફએસએલની ટીમ પણ ઘટના સ્થળેથી તપાસ કરી રહી છે અને સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. પરિવારના નિવેદનના આધારે ફરિયાદ નોંધવામાં આવી છે. તે મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
ADVERTISEMENT