મુંબઈઃ રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણી અને તેમના પરિવારને મારી નાખવાની ધમકી મળી છે. આ દરમિયાન એક વાર નહીં, બે વાર નહીં, ત્રણ વાર ફોન કરીને મુકેશ અંબાણીને મારી નાખવાની ધમકી આપી છે. ઉલ્લેખનીય છે કે આ સમગ્ર ઘટનાની જાણ થતા જ પોલીસે વધુ તપાસ શરૂ કરી દીધી છે. રિયાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલના ડિસ્પ્લે નંબર પર ધમકીભર્યા કુલ 3 ફોન આવ્યા હતા.
ADVERTISEMENT
3 કલાકમાં પરિવારને ખતમ કરવાની ધમકી
મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા પ્રમાણે રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણીના પરિવારને ફરીથી મારી નાખવાની ધમકીઓ મળવા લાગી છે. કોલરે તેમના સમગ્ર પરિવારને ગણતરીના કલાકોમાં મારી નાખીશું એવી ધમકી આપી દીધી છે. જોકે આ ફોન રિલાયંસ ફાઉન્ડેશનની હોસ્પિટલમાં કરાયો હતો, આ અંગે હોસ્પિટલ મેનેજમેન્ટે DB માર્ગ પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી દીધી છે.
એક જ કોલરે 3 વાર ફોન કર્યા
પોલીસની ટીમ અત્યારે આ કોલ વેરિફાય કરી રહી છે. તેની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે કોલર એક જ છે અને તેણે સતત 8 ફોન કર્યા છે. મુંબઈ પોલીસ કમિશનરને આ મુદ્દે જાણકારી અપાઈ ચૂકી છે અને આ કેસની તપાસ કરવા માટે મુંબઈ પોલીસે ત્રણ ટીમ બનાવી દીધી છે.
મુકેશ અંબાણીએ પરિવાર સાથે સ્વતંત્રતા દિવસ ઉજવ્યો
ન્યૂઝ એજન્સી ANIએ અંબાણી પરિવારનો એક વીડિયો શેર કર્યો હતો. જેમાં મુકેશ અંબાણી, તેમના પત્ની નીતા અંબાણી અને પૌત્ર પૃથ્વી અંબાણી તિરંગો ફરકાવી રહ્યા હોવાનું જોવા મળ્યા હતા. મુકેશ અંબાણી પૌત્ર સાથે મસ્તી કરતા પણ નજરે પડ્યા હતા. જ્યારે નીતા અંબાણી હાથમાં તિરંગો લઈને આજના દિવસની ઉજવણી કરી રહ્યા હોવાનું જોવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે અંબાણી પરિવાર પોતાની કંપનીના કર્મચારીઓ સાથે સ્વતંત્રતા દિવસ ઉજવતા નજરે પડ્યા હતા.
ગત વર્ષે અંબાણીના ઘરની બહાર શંકાસ્પદ ગાડી મળી હતી
અગાઉ ગત વર્ષે ફેબ્રુઆરી મહિનામાં મુકેશ અંબાણીના ઘરની બહાર શંકાસ્પદ ગાડી મળી આવી હતી. જેમાં જિલેટિનની 20 સ્ટિક હતી. આ ગાડી મળી આવતા જ ચકચાર મચી ગઈ હતી. આ મુદ્દે મહારાષ્ટ્ર એટીએસ સિવાય એનઆઈએ દ્વાર પણ તપાસ શરૂ કરી દેવાઈ હતી. આ ગાડી મનસુખ હિરેનની હોવાનું સામે આવ્યું હતું. ત્યારપછી થોડા દિવસોમાં તેનો મૃતદેહ મળી આવ્યો હતો. જોકે ત્યારપછી મુંબઈ પોલીસ ઓફિસર સચિન વાઝેની ધરપકડ કરવામાં આવી હતી. નોંધનીય છે કે તેના વિરૂદ્ધ મનસુખ હિરેનની હત્યા કરવાનો આક્ષેપ લગાવાયો હતો.
ADVERTISEMENT