મધ્યપ્રદેશના જનાદેશનું ચિત્ર સ્પષ્ટ થતું જોવા મળી રહ્યું છે. મધ્ય પ્રદેશમાં આજે ‘શિવ’ના નામનો જય જયકાર થઈ રહ્યો છે. મામા શિવરાજસિંહ ચૌહાણની વિદાયનો દાવો કરી રહેલા નેતાઓને તેમણે સણસણતો જવાબ આપ્યો છે અને બંપર બહુમતીની સાથે તેઓ મધ્ય પ્રદેશમાં વાપસી કરતા જોવા મળી રહ્યા છે. તાજા વલણોમાં શિવરાજસિંહ શાનદાર વાપસી કરતા જોવા મળી રહ્યા છે. ચાલો જાણીએ કે આખરે ચાર વખત મુખ્યમંત્રી રહી ચૂકેલા શિવરાજસિંહ ચૌહાણે એન્ટિઈન્કમબન્સીનામની બલાને કેવી રીતે ધક્કો આપ્યો અને મેદાન પોતાના નામે કરી લીધું.
ADVERTISEMENT
‘મામા’એ કર્યો ચમત્કાર
રાજકીય નિષ્ણાંતો શિવરાજસિંહ ચૌહાણની વાપસીમાં તેમની ખૂબ જ પ્રચલીત અને ઘર-ઘર સુધી પહોંચેલી યોજના ‘લાડલી બહેન’ યોજનાને મુખ્ય પરિબળ તરીકે માની રહ્યા છે. આ યોજનાએ શિવરાજસિંહની રાજકીય કિસ્મતને બદલી દીધી છે. લાડલી બહેન યોજના હેઠળ મધ્યપ્રદેશની 1.31 કરોડ મહિલાઓને દર મહિને 1250 રૂપિયા આપવામાં આવે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ યોજનો સૌથી મોટો લાભ ભારતીય જનતા પાર્ટીને થયો છે. એમપીની 7 કરોડ વસ્તીમાં લાડલી બહેન યોજનાના લાભાર્થીઓએ જબરદસ્ત મતદાન કર્યું છે.
શિવરાજસિંહે કરી છે મોટી મોટી જાહેરાતો
આ સિવાય શિવરાજસિંહે રાજ્યના 30 લાખ જુનિયર સ્તરના કર્મચારીઓના પગાર અને ભથ્થામાં વધારો કર્યો છે. આંગણવાડી કાર્યકરોને પણ ભેટ આપવામાં આવી હતી અને તેમનો પગાર 10,000 રૂપિયાથી વધારીને 13,000 રૂપિયા કરવામાં આવ્યો હતો. આ સિવાય શિવરાજસિંહે રોજગાર સહાયકોનું માનદ વેતન બમણું કરવાનું પણ વચન આપ્યું છે અને જિલ્લા પંચાયત પ્રમુખ, ઉપપ્રમુખ, જિલ્લા પ્રમુખ, ઉપપ્રમુખ અને ઉપ સરપંચ અને સરપંચ જેવા નેતાઓના માનદ વેતનને ત્રણ ગણું કરવાનું વચન આપ્યું છે.
પાર્ટીમાં ન કરવો પડ્યો પડકારનો સામનો
16 વર્ષ સુધી મધ્યપ્રદેશના મુખ્યમંત્રી રહેલા શિવરાજસિંહ માટે આ ચૂંટણીમાં સૌથી સારી વાત એ હતી કે તેમને પાર્ટીની અંદર કોઈ મોટા પડકારનો સામનો કરવો પડ્યો નથી. શિવરાજ સિંહને પડકારી શકે તેવા કૈલાશ વિજયવર્ગીય, નરેન્દ્રસિંહ તોમર, ગણેશ સિંહ, રાકેશ સિંહ, પ્રહલાદ સિંહ પટેલ, ફગ્ગન સિંહ કુલસ્તે જેવા નેતાઓને પાર્ટીએ ચૂંટણીના મેદાનમાં ઉતારી દીધા અને તેઓને સ્પષ્ટપણે પોતાની ક્ષમતા અને પ્રભાવ સાબિત કરવા જણાવ્યું.
દિગ્ગજોનું ભવિષ્ય નક્કી કરશે પરિણામો
આ દિગ્ગજોને ચૂંટણીમાં ઉતારીને ભાજપ હાઈકમાન્ડે એ મેસેજ આપ્યો કે જો તમારે મોટી જવાબદારી જોઈતી હોય તો તમારે તમારી ખુદને સાબિત કરવી પડશે. આજના પરિણામો આ દિગ્ગજ નેતાઓનું ભવિષ્ય નક્કી કરશે.
ADVERTISEMENT