MP Election Result 2023 : મધ્યપ્રદેશમાં કોંગ્રેસની હાર બાદ હાઈકમાન્ડ એક્શન મોડમાં છે. સૂત્રોના જણાવ્યા અનુસાર હાઈકમાન્ડે કમલનાથને કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપવા કહ્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે હાઈકમાન્ડ કાર્યવાહી કરવાનું વિચારી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. હાઈકમાન્ડને લાગે છે કે, કમલનાથે ભાજપના શિવરાજ સિંહ ચૌહાણની જેમ સક્રિયતા દર્શાવી નથી. પાર્ટીએ કમલનાથને રાજ્યના સીએમ ચહેરા તરીકે જાહેર કર્યા હતા. હાઈકમાન્ડે તેમને સંપૂર્ણ સ્વતંત્રતા આપી હતી પરંતુ પરિણામ કોંગ્રેસની તરફેણમાં બિલકુલ આવ્યા ન હતા.
ADVERTISEMENT
ભાજપે રવિવારે મધ્યપ્રદેશ વિધાનસભામાં 230 માંથી 163 બેઠકો જીતીને બે તૃતીયાંશ બહુમતી હાંસલ કરી હતી. જ્યારે કોંગ્રેસ 66 બેઠકો સાથે બીજા ક્રમે રહી હતી. ત્યારથી કોંગ્રેસની છાવણીમાં હલચલ મચી ગઈ છે. હવે પાર્ટી હાઈકમાન્ડ એક્શન મોડમાં આવી ગયું છે અને અહેવાલો અનુસાર હાઈકમાન્ડ દ્વારા કમલનાથ પાસેથી મધ્યપ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ પદેથી રાજીનામું આપવાની માંગ કરવામાં આવી છે.
વાસ્તવમાં PCC ચીફ કમલનાથ મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીના પ્રચારનું કેન્દ્રબિંદુ રહ્યા હતા. આના કારણે કોંગ્રેસને પણ નુકસાન થયું હોવાનું જાણકારોનું કહેવું છે. આ ઉપરાંત અન્ય ઘણા રાજકીય અર્થો પણ તેમાંથી કાઢવામાં આવી રહ્યા છે. જો કે કમલનાથ પોતાની સીટ બચાવવામાં સફળ રહ્યા હતા, પરંતુ પ્રદેશ અધ્યક્ષ હોવાના કારણે તેમના નેતૃત્વમાં પાર્ટીને ભારે હારનો સામનો કરવો પડ્યો હતો.
કમલનાથનો ગઢ કહેવાતા મહાકૌશલમાં પણ આ વખતે ભાજપે દાવ ખેલ્યો છે. જો કે, ગત ચૂંટણીની જેમ આ વખતે પણ કોંગ્રેસ છિંદવાડા જિલ્લામાં કમલનાથના પ્રભાવ હેઠળની તમામ 7 બેઠકો જીતવામાં સફળ રહી છે, પરંતુ તેને મહાકૌશલની 8 બેઠકો ગુમાવવી પડી છે.
તમને જણાવી દઈએ કે જબલપુર, છિંદવાડા, બાલાઘાટ, સિવની, નરસિંહપુર, મંડલા, ડિંડોરી અને કટની જિલ્લા મધ્યપ્રદેશના મહાકૌશલ વિસ્તારમાં આવે છે. આ 8 જિલ્લામાં કુલ 38 વિધાનસભા બેઠકો છે, જેમાં આ વખતે ભાજપના 21 ઉમેદવારો ચૂંટણી જીતીને ધારાસભ્ય બન્યા છે. પીસીસી ચીફ કમલનાથની સાથે કોંગ્રેસના 17 ઉમેદવારો જીતવામાં સફળ રહ્યા છે. કમલનાથ સરકારમાં નાણામંત્રી તરુણ ભનોત અને વિધાનસભાના અધ્યક્ષ એનપી પ્રજાપતિની સાથે વિધાનસભાના ઉપાધ્યક્ષ હિના કંવરેને પણ હારનો સામનો કરવો પડ્યો છે.
ADVERTISEMENT