Hajj Death 2024 : હજ 2024 દરમિયાન સાઉદી અરેબિયાના મક્કામાં 1,000થી વધુ હજ યાત્રીઓના મોત થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સૌથી વધુ મોત આકરી ગરમીને કારણે થયા હોવાનું માનવામાં આવી રહ્યું છે. મૃત્યુ પામેલા લોકોમાં અડધાથી વધુ એવા લોકો હતા, જેઓ રજિસ્ટ્રેશન કરાવ્યા વગર હજ માટે ગયા હતા. નિયમો મુજબ તેમને સાઉદી અરબમાં જ દફનાવવામાં આવી રહ્યા છે. એક રિપોર્ટ મુજબ, સાઉદી અરબના હજ સંબંધિત કાનૂનમાં એ સ્પષ્ટ છે કે જો હજ દરમિયાન કોઈ વ્યક્તિનું મોત થઈ જાય તો તેનો મૃતદેહ તેમના દેશમાં મોકલવામાં આવતો નથી. તેને સાઉદી અરબમાં જ દફનાવવામાં આવે છે.
ADVERTISEMENT
1000થી વધુ યાત્રીઓના મોત!
હજ યાત્રા દરમિયાન મૃતકોની સંખ્યા સતત વધી રહી છે. મક્કામાં હજ દરમિયાન મૃતકોનો આંકડો અત્યાર સુધીમાં 1000ને વટાવી ચૂક્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સાઉદી અરેબિયામાં ભારે ગરમી અને યોગ્ય વ્યવસ્થાના અભાવે હજ યાત્રીઓ મૃત્યુ પામી રહ્યા છે. આવી સ્થિતિમાં સમગ્ર સાઉદી સરકાર પર સવાલો ઉભા થઈ રહ્યા છે. મક્કાથી હચમચાવી નાખે એવા વીડિયો સામે આવ્યા છે. વીડિયોમાં મૃતદેહો રસ્તા પર પડેલા જોઈ શકાય છે. જોકે, આ વીડિયોની ગુજરાત તક પુષ્ટિ કરતું નથી.
મક્કામાં 98 ભારતીયોના થયા મૃત્યુ
ભારતમાંથી હજ માટે મક્કા ગયેલા ઘણા હજયાત્રીઓના મોત થયા હોવાની આશંકા ઘણા દિવસો વ્યક્ત કરવામાં આવી હતી. પરંતુ હવે વિદેશ મંત્રાલયે સત્તાવાર રીતે મક્કા ગયેલા ભારતીય હજ યાત્રીઓના મૃત્યુ અંગે સચોટ માહિતી આપી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે, "આ વર્ષે 175,000 ભારતીયો હજ યાત્રાએ ગયા હતા. તેમાંથી અત્યાર સુધીમાં 98 નાગરિકોના મૃત્યુ થયા હોવાની માહિતી અમને મળી છે.
'175,000 ભારતીયો હજ પર ગયા છે'
આ વર્ષે મક્કામાં "હીટ વેવ" અને અન્ય રોગોના કારણે મૃત્યુ પામેલા હજ યાત્રીઓની સંખ્યા 1,000ને વટાવી ગઈ છે. અત્યાર સુધીમાં લગભગ 10 દેશોના 1,081 હજ યાત્રીઓ મક્કામાં મૃત્યુ પામ્યા છે. જેમાં 98 ભારતીય નાગરિકો પણ મૃત્યુ પામ્યા છે. જયસ્વાલે કહ્યું કે અરાફાના દિવસે ઓછામાં ઓછા છ લોકોના મોત થયા છે. તેમણે કહ્યું કે 2023માં મૃત્યુઆંક ઘણો વધારે હતો. જયસ્વાલના જણાવ્યા અનુસાર, 2023માં હજ દરમિયાન 187 ભારતીયોના મૃત્યુ થયા હતા. પરંતુ વર્ષ 2024માં 175,000 ભારતીયો હજ પર ગયા છે. અત્યાર સુધીમાં આમાંથી 98 નાગરિકોના વિવિધ કારણોસર મોત થયા છે. આ મૃત્યુ બીમારી, હીટવેવ અને વૃદ્ધાવસ્થાના કારણે થયા છે.
ADVERTISEMENT