એક બોટલ પાણીમાં 2,40,000 પ્લાસ્ટિકના ટુકડા, રિસર્ચમાં ચોંકાવનારો ખુલાસો

malay kotecha

• 09:32 AM • 09 Jan 2024

Plastic Pieces Found in Bottled Water: બોટલનું પાણી ખરીદવું ખૂબ જ સરળ છે, તે આપણને સરળતાથી મળી રહે છે, પરંતુ તેને લઈને હવે એક ચોંકાવનારો…

gujarattak
follow google news
Plastic Pieces Found in Bottled Water: બોટલનું પાણી ખરીદવું ખૂબ જ સરળ છે, તે આપણને સરળતાથી મળી રહે છે, પરંતુ તેને લઈને હવે એક ચોંકાવનારો ખુલાસો થયો છે. એક રિસર્ચ મુજબ, બોટલના પાણીમાં લાખો પ્લાસ્ટિકના ટુકડા હોય છે. જે પાણી આપણે ચોખ્ખું જોઈને પીએ છીએ, તે પાણી તમને ખૂબ જ બીમાર કરી શકે છે. આ રિસર્ચ ‘પ્રોસીડિંગ્સ ઓફ ધ નેશનલ એકેડમી ઓફ સાયન્સ’માં પ્રકાશિત થયું છે.

ત્રણ કંપનીઓની બોટલના પાણીની કરાઈ તપાસ

રિસર્ચ અનુસાર, એક લીટર પાણીની બોટલમાં સરેરાશ લગભગ 2,40,000 પ્લાસ્ટિકના ટુકડા હોય છે. આ ટુકડાઓ અગાઉના અંદાજ કરતાં 100 ગણા વધારે છે. અગાઉના રિસર્ચમાં માત્ર માઈક્રોપ્લાસ્ટિક, અથવા 1થી 5000 માઈક્રોમીટરની વચ્ચે જ ટુકડા મળી આવ્યા હતા. આ રિસર્ચમાં ત્રણ જાણીતી કંપનીઓની બોટલના પાણીનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જોકે, આ કંપનીઓના નામ જાહેર કરવામાં આવ્યા નથી.

SRS ટેક્નોલોજીનો કરાયો ઉપયોગ

વૈજ્ઞાનિકોને બોટલના પાણીમાં માઇક્રોપ્લાસ્ટિક્સ અને નેનોપ્લાસ્ટિક્સની હાજરી પર શંકા હતી, પરંતુ તેની ઓળખ થઈ રહી નહોતી. હવે વૈજ્ઞાનિકો નવી ટેક્નોલોજી (સ્ટિમ્યુલેટેડ રૈમન સ્કેટરિંગ (SRS) માઈક્રોસ્કોપી)નો ઉપયોગ કરીને આશ્ચર્યજનક તારણો પર પહોંચ્યા છે. નેનોપ્લાસ્ટિક્સ, માઈક્રોપ્લાસ્ટિક્સ કરતાં વધુ ખતરનાક હોય છે કારણ કે તે માનવ પાચન તંત્ર અને ફેફસાંમાં પ્રવેશી શકે છે.

નળના પાણીનો ઉપયોગ કરવો બેસ્ટ

ખતરાનો અંદાજ આ વાતથી પણ લગાવી લો કે તે મગજ અને હૃદયમાંથી થઈને ગર્ભમાં રહેલા બાળક સુધી પહોંચી શકે છે. તે વ્યક્તિના જીવન પર શું સમસ્યાઓ લાવી શકે છે તે વિશે કોઈ નક્કર માહિતી નથી, પરંતુ એવું કહેવાય છે કે ગેસ્ટ્રિક સમસ્યાઓની સાથે જન્મ સમયે બાળકોમાં શારીરિક અસામાન્યતાઓ સુધી થઈ શકે છે. એક નિષ્ણાંતે કહ્યું કે અમે એવું નથી કહી રહ્યા કે તમારે જરૂર પડ્યે પણ બોટલનું પાણી ન પીવું જોઈએ, પરંતુ નળના પાણીનો ઉપયોગ કરવો સૌથી બેસ્ટ રહેશે.
    follow whatsapp