Mathura Temple: મથુરાના ગોવર્ધન મંદિરમાં દાનમાં આપેલી 1 કરોડ 9 લાખ રૂપિયાની રકમ લઈને સેવાયત (પૂજારી) ફરાર થઈ ગયો. તે બેંકમાં પૈસા જમા કરાવવા માટે બહાર ગયો હતો, પરંતુ ન તો બેંક પહોંચ્યો અને ન તો મંદિર પાછો આવ્યો. પૂજારીનો ફોન સ્વીચ ઓફ છે. મંદિરના મેનેજરે આ મામલે ફરિયાદ નોંધાવી હતી, ત્યારબાદ ગોવર્ધન પોલીસ અને મંદિર પ્રશાસન ગુમ થયેલા પૂજારીને શોધવામાં લાગી ગયા હતા.
ADVERTISEMENT
બેંકમાં પૈસા જમા કરાવવા ગયા, પાછા જ ન આવ્યા
માહિતી અનુસાર, ગોવર્ધન પોલીસ સ્ટેશન વિસ્તારના મુખ્ય મંદિર મુકુટ મુખારબિંદના સેવક (પૂજારી) પર 1,09,37,200 રૂપિયા લઈને ફરાર થવાનો આરોપ છે. આ અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી, જેમાં મંદિરના મેનેજર ચંદ્ર વિનોદ કૌશિકે જણાવ્યું હતું કે, સોમવારે સેવાયત દિનેશ ચંદ મંદિરના કોન્ટ્રાક્ટના રૂપિયા એક કરોડ નવ લાખ રૂપિયા લઈને યુનિયન બેંક ઓફ ઈન્ડિયામાં ગયા હતા.
પૂજારીના ઘરેથી મળ્યા 71 લાખ રૂપિયા
આરોપી પૂજારી ગોવર્ધનના દસવીસાનો રહેવાસી છે. છેતરપિંડી કરતી વખતે તેણે મંદિરના પૈસા બેંકમાં જમા કરાવ્યા ન હતા અને તમામ પૈસા લઈને ભાગી ગયો હતો. ત્યારથી તેનો ફોન સ્વીચ ઓફ છે. ફરિયાદ મળ્યા બાદ પોલીસે મામલાની તપાસ શરૂ કરી હતી. પોલીસે આરોપીના ઘરેથી 71 લાખ 92 હજાર રૂપિયા રિકવર કર્યા છે. આ નોટો બોરીઓમાં ભરીને રાખવામાં આવી હતી. આ સાથે બાકીની રકમની તપાસ ચાલી રહી છે.
સમગ્ર મામલે પોલીસે શું કહ્યું?
આ સમગ્ર મામલાને લઈને એસ.પી દેહાત ત્રિગુન વિસેને ફોન પર જણાવ્યું કે, આરોપીને પકડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેની પત્નીએ પોલીસને જાણ કરી અને ઘરમાંથી પૈસા મળી આવ્યા. ત્યાંથી 72 લાખ રૂપિયા મળી આવ્યા છે. હાલ આરોપી ફરાર છે. મંદિરના રિસીવરે કહ્યું કે, બાકીના પૈસાની તપાસ ચાલી રહી છે, ટૂંક સમયમાં બાકીના પૈસાની વસૂલાત માટે જે પણ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે, તે કોર્ટના આદેશ મુજબ કરવામાં આવશે.
ADVERTISEMENT