New Delhi: દિલ્હીની કોર્ટે તિહારમાં બંધ દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને તેમની બીમાર પત્નીને મળવાની મંજૂરી આપી છે. રાઉઝ એવન્યુ કોર્ટે 11 નવેમ્બરે સવારે 10 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી મળવાની મંજૂરી આપી છે. તમને જણાવી દઈએ કે, મનીષ સિસોદિયાને આ પહેલા પણ તેમના પત્નીને મળવાની મંજૂરી આપવામાં આવી હતી.
ADVERTISEMENT
કોર્ટમાં અરજી કરીને માંગવામાં આવી હતી પરવાનગી
મનીષ સિસોદિયાએ કોર્ટમાં એક અરજી કરીને તેમની બીમાર પત્નીને પાંચ દિવસ સુધી મળવાની પરવાનગી માંગી હતી. જેના પર આજે વિશેષ ન્યાયાધીશ એમ.કે નાગપાલે સુનાવણી કરી હતી અને 11 નવેમ્બરે સવારે 10 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી મળવાની મંજૂરી આપી છે.
મની લોન્ડ્રિંગ કેસમાં આરોપી છે મનીષ સિસોદિયા
કોર્ટ દિલ્હી એક્સાઈઝ પોલિસી સંબંધિત CBI અને EDના કેસોની સુનાવણી કરી રહી છે. પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા સીબીઆઈની સાથે-સાથે મની લોન્ડ્રિંગ કેસમાં આરોપી છે. બંને કેસમાં મનીષ સિસોદિયા અને અન્ય આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.
9 માર્ચે કરવામાં આવી હતી ધરપકડ
અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં સુપ્રીમ કોર્ટે તેમની જામીન અરજી ફગાવી દીધી હતી. જ્યારે હાઈકોર્ટ અને ટ્રાયલ કોર્ટે પણ જામીન અરજી રદ્દ કરી હતી. દારૂ કૌભાંડ કેસમાં EDએ 9 માર્ચે મનીષ સિસોદિયાની ધરપકડ કરી હતી. આ પહેલા સીબીઆઈ દ્વારા 26 ફેબ્રુઆરીએ તેમની ધરપકડ કરવામાં આવી હતી.
ADVERTISEMENT