ઈંફાલઃ 2 મહિનાથી મણિપુરમાં હિંસાનો માહોલ છે જેને લઈને ભાજપ સરકાર પર અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પર સતત સવાલોનો મારો ચાલી રહ્યો છે. આ દરમિયાનમાં મણિપુરમાં તંત્ર દ્વારા એક્શન લેવાઈ રહી હોવાના અહેવાલો સામે આવવા લાગ્યા છે. પોલીસ અને સુરક્ષા દળોએ પણ ઉગ્રવાદીઓ સામે એક્શન તેજ કરી લીધી હોવાનું જાણવા મળી રહ્યું છે. સુરક્ષાદળોએ ગત 24 કલાકમાં હિંસાથી અસરગ્રસ્ત મણિપુરના વિવિધ જિલ્લાઓમાં ઉગ્રવાદીઓના બનાવાયેલા 12 બંકરને નષ્ટ કરી દેવાયા છે. મણિપુર પોલીસ દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, રાજ્ય પોલીસ અને કેન્દ્રીય દળોએ તમેંગલોંગ, ઈંફાલ પૂર્વ, વિષ્ણુપુર, કાંપોકપી, ચુરાચાંદપુર અને કાકચિંગ જિલ્લામાં સર્ચ ઓપરેશન કરાયું છે. દરમિયાન 12 બંકર્સ તબાહ કરી દેવાયા છે. એટલું જ નહીં સર્ચ ઓપરેશન દરમિયાન પોલીસને સાહુમફાઈ ગામમાં એક ધાનના ખેતરમાં ત્રણ 51 મિમી મોર્ટાર ગોળા, ત્રણ 84 મિમી મોર્ટાર અને આઈઈડી મળી આવ્યા છે. બોમ્બ સ્ક્વોડ ટીમે આઈઈડીને નષ્ટ કરી દીધો છે.
ADVERTISEMENT
સ્થિતિ તંગ છે પણ નિયંત્રણમાં છેઃ પોલીસ
પોલીસના જણાવ્યા અનુસાર, સ્થિતિ તંગ છે પરંતુ નિયંત્રણ હેઠળ છે, કેટલીક જગ્યાએ છૂટાછવાયા બનાવો બન્યા છે પરંતુ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં સ્થિતિ સામાન્ય છે. પોલીસે કર્ફ્યુ ઉલ્લંઘન, ઘરોમાં ચોરી, આગચંપી જેવા કેસમાં 135 લોકોની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું કે અત્યાર સુધીમાં કુલ 1100 હથિયારો, 13702 દારૂગોળા અને વિવિધ પ્રકારના 250 બોમ્બ મળી આવ્યા છે. રાજ્યના વિવિધ ભાગોમાં ફ્લેગ માર્ચ, ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.
‘આદિવાસી બાળકોને સડેલું શિક્ષણ આપી અન્યાય કરી રહ્યા છીએ’- IAS ધવલ પટેલની બેખૌફ વાત
શક્ય તમામ મદદ કરવા પોલીસે લોકો પાસે માગી મદદ
પોલીસે લોકોને રાજ્યમાં સ્થિતિ સામાન્ય બનાવવા માટે શક્ય તમામ મદદ કરવા અપીલ કરી છે. કોઈપણ અફવાના કિસ્સામાં, કંટ્રોલ રૂમને 9233522822 પર જાણ કરો. ઉપરાંત, પોલીસ અથવા સુરક્ષા દળો પાસે હથિયારો, દારૂગોળો અને વિસ્ફોટકો પાછા જમા કરો. મણિપુર પોલીસ અને કેન્દ્રીય દળો રાજ્યના સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ, ફ્લેગ માર્ચ અને કોર્ડન, સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે.
મણિપુરમાં હિંસા કેમ ફેલાઈ?
મણિપુર હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ એમવી મુરલીધરને તાજેતરમાં એક આદેશ આપ્યો હતો. આ આદેશમાં હાઇકોર્ટે રાજ્ય સરકારને મેઇતેઇને અનુસૂચિત જનજાતિનો દરજ્જો આપવાની માંગ પર વિચાર કરવા જણાવ્યું હતું. કોર્ટના આ નિર્ણયના વિરોધમાં ઓલ ટ્રાઇબલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ મણિપુર (ATSUM)એ ‘આદિવાસી એકતા માર્ચ’ કાઢી હતી. 3 મેના રોજ આ એકતા કૂચ દરમિયાન હિંસા ફાટી નીકળી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન આદિવાસીઓ અને બિન-આદિવાસીઓ વચ્ચે હિંસા શરૂ થઈ ગઈ હતી.
મણિપુરમાં 50 દિવસથી વધુ સમય થઈ ગયો છે, પરંતુ હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. મણિપુર શાંતિ માટે વિનંતી કરી રહ્યું છે. માત્ર રાજધાનીમાં જ નહીં પરંતુ સમગ્ર રાજ્યમાં આ સમયે બધું ઠપ્પ થઈ ગયું છે. અત્યાર સુધીમાં લગભગ 120 લોકોએ જીવ ગુમાવ્યા છે અને 3,000થી વધુ લોકો ઘાયલ થયા છે. મણિપુરમાં હિંસા એટલી હદે વધી ગઈ છે કે તાજેતરમાં જ ટોળાએ કેન્દ્રીય વિદેશ રાજ્ય મંત્રી આરકે રંજનનું ઘર સળગાવી દીધું હતું. બાળકો, મહિલાઓની પણ હત્યા અને સળગાવી દેવાની ઘટનાઓ ઘટી રહી છે. શાંતિ પુનઃસ્થાપિત કરવાના અનેક પ્રયાસો થયા છે પરંતુ સ્થિતિ સુધરવાનું નામ નથી લઈ રહી. રાજ્યમાં કેન્દ્રીય સશસ્ત્ર દળોની 84 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે, આસામ રાઇફલ્સના 10,000 થી વધુ જવાનો પણ તૈનાત છે.
ADVERTISEMENT