મણિપુર: મણિપુરમાં કુકી સમુદાયની બે મહિલાઓનો રોડ પર નગ્ન અવસ્થામાં ફરવાનો વીડિયો સામે આવ્યા બાદ વાતાવરણ ફરી ગરમાયું છે. આ ઘટનાથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઈન્ડીજીનસ ટ્રાઈબલ લીડર્સ ફોરમ (ITLF) એ કેન્દ્ર અને રાજ્ય સરકારો, રાષ્ટ્રીય મહિલા આયોગ અને અનુસૂચિત જનજાતિ માટેના રાષ્ટ્રીય આયોગને આ મામલાની નોંધ લેવા અને ગુનેગારોને સજા અપાવવાની માંગ કરી છે. તે જ સમયે, સીએમ એન બિરેન સિંહે પણ આ મામલે તપાસના આદેશ આપ્યા છે.
ADVERTISEMENT
આ મામલામાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ ટ્વીટ કર્યું હતું કે, મણિપુરની બે મહિલાઓની જાતીય સતામણીનો ભયાનક વીડિયો નિંદનીય અને સંપૂર્ણ રીતે અમાનવીય છે. સીએમ સાથે વાત કરી, જેમણે મને કહ્યું કે મામલો હજુ તપાસ હેઠળ છે. તેમણે ખાતરી આપી હતી કે, ગુનેગારોને સજા અપાવવામાં કોઈ કસર બાકી રાખવામાં આવશે નહીં.
આ સાથે જ કોંગ્રેસે આ ઘટના પર ભાજપને ઘેરી છે. તેમનું કહેવું છે કે આ ઘટનાના 63 દિવસ બાદ પણ ગુનેગારો ફરાર છે. સ્મૃતિ ઈરાનીએ સીએમ સાથે વાત કરવામાં અને આ ઘટના પર નિવેદન આપવા માટે 76 દિવસનો સમય લીધો હતો. તે જ સમયે, વિપક્ષની માંગ છે કે વિલંબ કર્યા વિના સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ મણિપુર મોકલવામાં આવે.
મણિપુરમાં માનવતા મરી ગઈઃ ખડગે
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, મણિપુરમાં માનવતા મરી ગઈ છે. મોદી સરકાર અને ભાજપે રાજ્યના નાજુક સામાજિક માળખાને નષ્ટ કરીને લોકશાહી અને કાયદાના શાસનને ટોળાશાહીમાં ફેરવી દીધું છે. પીએમ નરેન્દ્ર મોદી, ભારત તમારા મૌનને ક્યારેય માફ નહીં કરે. જો તમારી સરકારમાં થોડો પણ વિવેક કે શરમ બાકી હોય, તો તમારે સંસદમાં મણિપુર વિશે બોલવું જોઈએ અને કેન્દ્ર અને રાજ્ય બંનેમાં તમારી બેવડી અસમર્થતા માટે અન્યને દોષિત ઠેરવ્યા વિના, શું થયું તે દેશને જણાવવું જોઈએ. તમે તમારી બંધારણીય જવાબદારી છોડી દીધી છે. સંકટની આ ઘડીમાં અમે મણિપુરના લોકો સાથે ઉભા છીએ.ઈન્ટરનેટ પ્રતિબંધને કારણે ઘટના બની: જયરામ
કોંગ્રેસના નેતા જયરામ રમેશે મણિપુર હિંસા પર પીએમ નરેન્દ્ર મોદીને ઘેર્યા છે. તેમણે ટ્વીટ કર્યું કે, મણિપુરમાં મોટા પાયે જાતિય હિંસા ફાટી નીકળ્યાને 78 દિવસ થઈ ગયા છે. આ ભયાનક ઘટનાને 77 દિવસ થઈ ગયા છે જેમાં બે મહિલાઓને નગ્ન પરેડ કરાવાઈ હતી અને કથિત રીતે બળાત્કાર કરવામાં આવ્યો હતો. અજાણ્યા શખ્સો સામે એફઆઈઆર નોંધાયાના 63 દિવસ બાદ પણ ગુનેગારો ફરાર છે.મણિપુરમાં ચાલી રહેલા ઈન્ટરનેટ પ્રતિબંધને કારણે આટલી ભયાનક ઘટના બની છે તેની બાકીના ભારતને કોઈ ખ્યાલ ન હતો, કે આટલી ભયાનક ઘટના ઘટી છે. આ બિલકુલ અક્ષમ્ય છે કે મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ મણિપુરના મુખ્યમંત્રી સાથે વાત અથવા નિવેદન જારી કરવા માટે 76 દિવસ સુધી રાહ જોઈ.
શું કેન્દ્ર સરકાર, ગૃહમંત્રી કે વડાપ્રધાનને આની જાણ ન હતી? મોદી સરકાર ‘બધું બરાબર છે’ જેવી વાતો કરવાનું ક્યારે બંધ કરશે? મણિપુરના સીએમ ક્યારે બદલાશે? આવી વધુ કેટલી ઘટનાઓને દબાવી દેવામાં આવી? આજથી ચોમાસુ સત્ર શરૂ થતાં જ ભારત જવાબ માંગશે. મૌન તોડો વડાપ્રધાન!
હજુ સુધી કોઈ ધરપકડ નથી: સ્વાતિ માલીવાલ
દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષે પણ વાયરલ થયેલા વીડિયો પર કહ્યું કે, મણિપુરમાંથી એક ખૂબ જ ખતરનાક વીડિયો સામે આવ્યો છે, જેને જોઈને હું ગભરાઈ ગઈ હતી અને હું આખી રાત સૂઈ શકી ન હતી. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કેવી રીતે બે છોકરીઓને પુરુષોનું ટોળું ઘેરી લે છેઅને તેમની સાથે અભદ્ર હરકત કરે છે. છોકરીઓને નગ્ન કરીને પરેડ કરાવવામાં આવે છે. આ દરમિયાન તેઓને મારવામાં આવે છે. તેમની સાથેની ઘટના અઢી મહિના પહેલા બની હતી પરંતુ હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. મને શરમ આવે છે કે કોઈની ધરપકડ કરવામાં આવી નથી. કેન્દ્ર સરકાર મૌન છે. પીએમએ એક પણ નિવેદન આપ્યું નથી. હું આજે મણિપુરના સીએમ અને પીએમ મોદીને મણિપુરમાં હિંસાનો અંત લાવવા અને આરોપીઓ અને પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી કરવા માટે પત્ર લખી રહી છું.
ઘટનાના એક મહિના બાદ કેસ નોંધવામાં આવ્યો હતો
ઈન્ડીજીનિયસ ટ્રાઈબલ લીડર્સ ફોરમના જણાવ્યા અનુસાર આ ઘટના અંગે 21મી જૂને એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. IPC કલમ 153A, 398, 427, 436, 448, 302, 354, 364, 326, 376, 34 અને આર્મ્સ એક્ટની કલમ 25(1C) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. બી.ફેનોમ ગામના 65 વર્ષીય વડા થાંગબોઈ વૈફેઈ દ્વારા સૈકુલ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે ટોળા દ્વારા ત્રીજી મહિલા પર સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો.
ફરિયાદ મુજબ, મણિપુરમાં હિંસા ફાટી નીકળ્યાના એક દિવસ પછી 4 મેના રોજ બપોરે, AK રાઇફલ્સ, SLR, INSAS અને 303 રાઇફલ્સ જેવા હથિયારોથી સજ્જ આશરે 1,000 લોકો ગામમાં પ્રવેશ્યા હતા. આ દરમિયાન તેઓએ ગામમાં તોડફોડ કરી, મિલકતો લૂંટી અને ઘરોને સળગાવી દીધા. ફરિયાદ મુજબ લોકો પોતાનો જીવ બચાવવા દોડવા લાગ્યા હતા. આ દરમિયાન પાંચ લોકો પોતાને બચાવવા જંગલ તરફ ભાગ્યા હતા. જેમાં બે પુરૂષ અને ત્રણ મહિલાઓનો સમાવેશ થાય છે. તેમાં 56 વર્ષીય પુરુષ, તેનો 19 વર્ષનો પુત્ર અને 21 વર્ષની પુત્રી ઉપરાંત 42 વર્ષીય અને 52 વર્ષની મહિલાઓનો સમાવેશ થાય છે.
ફરિયાદમાં કહેવાયું છે કે નોંગપોક સેકમાઈ પોલીસ સ્ટેશનની ટીમે તેમને જંગલમાંથી બચાવી લીધા હતા. જો કે, ફરિયાદમાં આરોપ છે કે ટોળાએ તેમને નોંગપોક સેકમાઈ પોલીસ સ્ટેશનથી બે કિલોમીટર દૂર ટુબુ નજીક પોલીસ ટીમના કબજામાંથી છીનવી લીધા હતા. ટોળાએ 56 વર્ષના એક વ્યક્તિની હત્યા કરી હતી. આ પછી ત્રણેય મહિલાઓને તેમના કપડા ઉતારવાની ફરજ પાડી હતી. ત્યારબાદ 21 વર્ષીય મહિલા પર સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. આ દરમિયાન જ્યારે યુવતીના નાના ભાઈએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો ત્યારે ટોળાએ તેને માર માર્યો હતો. આ દરમિયાન એક મહિલા પરિચિતોની મદદથી સ્થળ પરથી ભાગી જવામાં સફળ રહી હતી. તે જ સમયે, ગેંગરેપ પછી, બંને મહિલાઓને રસ્તા પર ચલાવવામાં આવી હતી.
ADVERTISEMENT