Jharkhand: ઝારખંડમાં પણ યુપીના પ્રતાપગઢ જિલ્લાની જ્યોતિ મૌર્ય જેવી ઘટના બની છે. ઝારખંડના સાહિબગંજ જિલ્લાના એક વ્યક્તિએ દાવો કર્યો છે કે તેણે તેની પત્નીને ભણાવીને નર્સ બનાવી અને હવે તે તેની સાથે રહેવાની ના પાડી રહી છે. આ વ્યક્તિનો દાવો છે કે તેણે તેની પત્નીના શિક્ષણ પાછળ લગભગ 4.5 લાખ રૂપિયા ખર્ચ્યા હતા અને જ્યારે તે નોકરી કરવા લાગી તો તેણે પતિ સાથે રહેવાની ના પાડી દીધી. વ્યક્તિનું એમ પણ કહેવું છે કે તેની પત્ની 14 એપ્રિલ 2023થી ગુમ છે. તેની પત્ની સાથે તેનો 10 વર્ષનો પુત્ર પણ છે. વ્યક્તિએ હવે ડિસ્ટ્રિક્ટ કોર્ટ, ડીસી અને પોલીસ અધિક્ષકને અરજી કરીને ન્યાય માટે અપીલ કરી છે.
ADVERTISEMENT
વ્યક્તિનું કહેવું છે કે તેણે પોતાની પત્નીને ભણાવવા માટે ગુજરાતમાં મજૂરી કરી, ટ્રેક્ટર પણ ચલાવ્યું. કન્હાઈ નામના વ્યક્તિનો આરોપ છે કે પત્ની 28 હજાર રૂપિયા અને દાગીના લઈને ભાગી ગઈ છે. તેમણે વરિષ્ઠ અધિકારીઓને ન્યાય માટે અપીલ કરી હતી. વાસ્તવમાં, આ આખો મામલો સાહિબગંજ જિલ્લાનો છે. અહીંના બાંઝી બજારના રહેવાસી કન્હાઈ પંડિતના લગ્ન કલ્પના કુમારી સાથે વર્ષ 2009માં થયા હતા. લગ્ન બાદ કલ્પનાએ આગળ ભણવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. કન્હાઈ કહે છે કે તેણે આર્થિક સ્થિતિને ટાંકીને તેની પત્નીનો અભ્યાસ ચાલુ રાખવાની અસમર્થતા વ્યક્ત કરી હતી, પરંતુ તેની પત્નીની જીદ આગળ તે માની ગયો.
આર્થિક સ્થિતિ ખરાબ હોવા છતાં અભ્યાસ કરાવ્યો
કન્હાઈને તેની પત્નીના શિક્ષણ માટે બોરિયોમાં મકાન બનાવડાવ્યું અને તેની પત્નીને શિબુ સોરેન ટ્રાઇબલ કૉલેજમાં પ્રવેશ અપાવ્યો. અહીં કલ્પનાએ પાંચ વર્ષ અભ્યાસ કર્યો અને પછી નર્સિંગની ટ્રેનિંગ લેવાની ઈચ્છા વ્યક્ત કરી. કન્હાઈએ લોન લીધી અને કલ્પનાને જમશેદપુરની નર્સિંગ કોલેજમાં એડમિશન અપાવ્યું. કન્હાઈનો દાવો છે કે તે પોતે પત્ની સાથે જમશેદપુરના નર્સિંગ ટ્રેનિંગ સેન્ટર ગયો હતો અને બે લાખ રૂપિયાની રોકડ ફી ચૂકવી હતી. કલ્પનાએ અહીં બે વર્ષ સુધી ANMની તાલીમ લીધી.
4.5 લાખ રૂપિયા અભ્યાસમાં ખર્ચ્યા
કન્હાઈનું કહેવું છે કે 2 લાખ રૂપિયાની ફી ભરવા ઉપરાંત તેણે બે વર્ષમાં 2.5 લાખ રૂપિયા કલ્પનાના ભણતર, ભાડું, કોપી-બુક્સ અને અન્ય જરૂરિયાતો પાછળ ખર્ચ્યા. જેના કારણે તે દેવામાં ડૂબી ગયો હતો. જ્યારે પત્ની તેની તાલીમ પૂરી કરીને પાછી આવી ત્યારે તે સાહિબગંજના જુમાવતી નર્સિંગ હોમમાં નર્સ તરીકે જોડાઈ. અહીં, કન્હાઈએ ટ્રેક્ટર ચલાવીને અને મજૂરી કરીને લોન ચૂકવવાનું ચાલુ રાખ્યું. દરમિયાન, એક દિવસ પત્નીએ તેને કહ્યું કે આટલી રોજની 200-250 રૂપિયાની કમાણીમાં દેવું કેવી રીતે ચૂકવશે. તેણે બહાર જઈને ક્યાંક કમાવું જોઈએ. કન્હાઈએ કહ્યું કે, મને પણ તેની પત્નીની વાત સાચી લાગી કારણ કે તે ભણેલી હતી. મને લાગ્યું કે તે ફક્ત પરિવાર માટે જ સારું વિચારશે. તેથી હું કમાવા માટે પાછો ગુજરાત ગયો.
પત્નીએ ઘરને આગ લગાડી
વર્ષ 2019 ના અંતમાં, કન્હાઈ પંડિત ગુજરાત ગયો અને 2020 ની શરૂઆતમાં, ભારતમાં કોરોના રોગચાળાએ દસ્તક આપી. માર્ચ 2020 માં, સમગ્ર ભારતમાં લોકડાઉન હતું. કન્હાઈ ઘરે પરત ફરવા માંગતો હતો, પરંતુ પત્નીએ ના પાડી દીધી કે તમે અહીં શું કામ કરશો, ત્યાં જ રહો. કન્હાઈ રડતા રડતા કહે છે કે લોકડાઉન દરમિયાન પોલીસ દ્વારા દુર્વ્યવહાર કરવા છતા તે કામ પર જતો રહ્યો. ક્યારેક તે માત્ર ભાત અને મીઠું ખાતો અને દર મહિને પૈસા ઘરે મોકલતો રહેતો. પરિવારની જરૂરિયાતો પૂરી કરવા ઉપરાંત તે લોનની ચૂકવણી પણ કરતો રહ્યો. 2021માં પણ કોરોના મહામારીના બીજી વેવમાં કન્હાઈ ગુજરાતમાં હતો.
દરમિયાન એક દિવસ તેની પત્નીએ કહ્યું કે, ઘરમાં આગ લાગી હતી, પરંતુ સામાન બચી ગયો હતો. જેમાં જમીનના કાગળો, અન્ય શૈક્ષણિક દસ્તાવેજો, પથારી, ટેબલ-ખુરશી, કપડાં અને બોક્સનો સમાવેશ થાય છે. પત્નીએ કહ્યું કે તેણે તમામ વસ્તુઓ તેના મામાના ઘરે રાખી છે. જો કે, કન્હાઈનો આરોપ છે કે તેની પત્નીએ જાતે જ ઘરને આગ લગાવી દીધી હતી.
ADVERTISEMENT