India Maldives Row: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ લક્ષદ્વીપની મુલાકાત લીધી હતી. પીએમ મોદીની લક્ષદ્વીપ મુલાકાતની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ અને ભારતમાં માલદીવ અને લક્ષદ્વીપ વચ્ચેની સરખામણી શરૂ થઈ ગઈ. વાસ્તવમાં પીએમ મોદીએ દેશવાસીઓને લક્ષદ્વીપ ફરવા જવાની અપીલ કરી હતી. આ સરખામણી એટલી હદે વધી ગઈ કે માલદીવની સરકાર પણ પરેશાન થઈ ગઈ. હવે આ મામલે માલદીવના એક મંત્રી દ્વારા કરવામાં આવેલી પોસ્ટથી વિવાદ સર્જાયો છે. બંને દેશોના યુઝર્સ પણ આ મુદ્દે સામ સામે આવી ગયા છે.
ADVERTISEMENT
માલદીવના મંત્રીઓએ સાધ્યું નિશાન
માલદીવના મંત્રી અબ્દુલ્લા મોહજુમ માજીદે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી, જેમાં તેમણે લખ્યું હતું કે, ‘માલદીવના પ્રવાસનને લક્ષ્ય બનાવવા માટે હું ભારતીય પ્રવાસનને શુભેચ્છા પાઠવું છું, પરંતુ ભારતને આપણી વચ્ચે પર્યટનથી સખત સ્પર્ધાનો સામનો કરવો પડશે. અમારા રિસોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર જ તેમના સમગ્ર ઈન્ફ્રાસ્ટ્રક્ચર કરતાં વધારે છે.’ આ પોસ્ટમાં પીએમ મોદીને પણ ટેગ કરવામાં આવ્યા છે.
અમારી સાથે સ્પર્ધા કરવી એક ભ્રમઃ ઝાહિદ રમીઝ
માલદીવના અન્ય એક નેતા ઝાહિદ રમીઝે સોશિયલ મીડિયા પર લખ્યું કે, ‘આ એક સારું પગલું છે, પરંતુ અમારી સાથે સ્પર્ધા કરવી એ એક ભ્રમ જ છે. તેઓ આપણા જેવી સેવા કેવી રીતે આપશે? સાથે જ ત્યાના બીચ સાફ કેવી રીતે રહી શકશે? રુમમાં હંમેશા રહેતી ગંધ પણ સૌથી મોટો પડકાર છે.’
ભારત-માલદીવના સંબંધોમાં તણાવ
તાજેતરના સમયમાં બંને દેશો વચ્ચેના સંબંધોમાં થોડો તણાવ આવ્યો છે. વાસ્તવમાં નવેમ્બર 2023માં માલદીવમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં મોહમ્મદ મુઈઝુને જીત મળી છે. મોહમ્મદ મુઈઝને ચીનની નજીક માનવામાં આવે છે. આ જ કારણ છે કે મુઈઝુએ વિજય બાદ તરત જ માલદીવમાં તૈનાત ભારતીય સેનાની વાપસીનું એલાન કર્યું હતું. મુઈઝુએ માલદીવની ઈન્ડિયા ફર્સ્ટ નીતિમાં પણ ફેરફાર કર્યો છે.
લોકોને લક્ષદ્વીપ જવાની અપીલ
PM મોદીની લક્ષદ્વીપની મુલાકાત બાદ હવે ભારતમાં પણ સોશિયલ મીડિયા યુઝર્સ લોકોને માલદીવને બદલે લક્ષદ્વીપ જવાની અપીલ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં પર્યટન પર આધારિત માલદીવની અર્થવ્યવસ્થાને અસર થઈ શકે છે અને આ જ કારણ છે કે માલદીવ સરકારના લોકો પણ ભારત અને પીએમ મોદીની ટીકા કરવા પર ઉતરી આવ્યા છે.
ADVERTISEMENT