UP News: ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌના મેયર સુષ્મા ખર્કવાલ બિજનૌર વિસ્તારની એક હોસ્પિટલમાં એક દર્દીને જોવા પહોંચ્યા હતા. આરોપ છે કે ICUમાં જતા પહેલા હોસ્પિટલના સ્ટાફે તેમને જૂતા કાઢવા કહ્યું અને તેઓ ગુસ્સે થઈ ગયા. જે બાદ બુલડોઝર હોસ્પિટલની બહાર પહોંચી ગયું હતું. ત્યારપછી હોસ્પિટલની બહાર લાગેલા પોસ્ટરો ઉતારી લેવામાં આવ્યા. જોકે, હંગામો વધી જતાં પોલીસે આવીને મામલો થાળે પાડ્યો હતો.
ADVERTISEMENT
નગરનિગમના કર્મચારીને હોસ્પિટલમાં મળવા આવ્યા હતા મેયર
મળતી માહિતી મુજબ, નગર નિગમના કર્મચારી સુરેન્દ્ર કુમારની લખનૌના બિજનૌર પોલીસ સ્ટેશન સ્થિત ખાનગી હોસ્પિટલ વિનાયક મેડિકેરમાં ICYમાં સારવાર ચાલી રહી છે. દરમિયાન સોમવારે મોડી રાત્રે શહેરના મેયર સુષ્મા ખર્કવાર પણ તેમને મળવા પહોંચ્યા હતા. હોસ્પિટલ પ્રશાસનના જણાવ્યા અનુસાર, જ્યારે મેયર સાથે તેમના કાર્યકર્તાઓ ICUમાં દાખલ થવા લાગ્યા ત્યારે તેમને ના પાડી દેવામાં આવી, જેનાથી તેઓ ગુસ્સે થઈ ગયા.
બુલડોઝરે હોસ્પિટલ બહાર બેનરો તોડ્યા
મોડી સાંજે કોર્પોરેશનનું બુલડોઝર હોસ્પિટલે પહોંચ્યું હતું અને ત્યાં લગાવેલા બેનરો અને પોસ્ટરો તોડી પાડવાનું શરૂ કર્યું હતું. આ જોઈને હોસ્પિટલનો સ્ટાફ પણ બહાર આવી ગયો હતો. જે બાદ હોસ્પિટલ પ્રશાસન અને મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ અંગેની જાણ પોલીસને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ભારે મુશ્કેલીથી મામલો થાળે પડ્યો હતો. જોકે કોર્પોરેશનના કર્મચારીઓ અને હોસ્પિટલના કર્મચારીઓ એકબીજા પર આક્ષેપો કરતા રહ્યા હતા.
હોસ્પિટલના ડાયરેક્ટર મુદ્રાકા સિંહના જણાવ્યા અનુસાર, હોસ્પિટલના સ્ટાફે મેયર અને તેમના કાર્યકરોને ICU વોર્ડમાં પ્રવેશતા અટકાવ્યા હતા. ઉપરથી તે લોકોએ ચંપલ પહેરલા હતા. તેઓ જૂતા ઉતાર્યા વિના જ ICU વોર્ડમાં ઘુસવા લાગ્યા. જ્યારે ICU વોર્ડમાં શૂઝ ઉતારીને જ અંદર જવા દેવામાં આવે છે. પરંતુ આ બાબત મેયરને પસંદ આવી નહીં અને સાંજે જ હોસ્પિટલની બહાર બુલડોઝર આવી ગયું હતું.
બીજી તરફ મહાનગરપાલિકાના મેયરે આ મામલે કંઈ પણ કહેવાનો ઈન્કાર કર્યો છે. પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓના જણાવ્યા મુજબ મેયર માત્ર દર્દીને મળવા એકલા જ જતા હતા. તેમ છતાં હોસ્પિટલના કર્મચારીઓએ તેમને અંદર જવા દીધા ન હતા.
ADVERTISEMENT