Election Commission Notice to PM Modi Rahul Gandhi: લોકસભા ચૂંટણી 2024ના માહોલ વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે. ચૂંટણી પંચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના ભાષણોની નોંધ લીધી છે અને બંને પાર્ટી (ભાજપ-કોંગ્રેસ)ને નોટિસ પાઠવી છે. ભાજપ અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષો પાસેથી જવાબ માંગવામાં આવ્યા છે. ચૂંટણી પંચે ચૂંટણી પ્રચાર દરમિયાન આપવામાં આવી રહેલા નિવેદનોની નોંધ લીધી અને નોટિસ જાહેર કરીને સ્પષ્ટતા માંગી. બને પાર્ટી અધ્યક્ષોને 29 એપ્રિલે સવારે 11 વાગે પોતાનો જવાબ દાખલ કરવાનો છે.
ADVERTISEMENT
બંને પક્ષોએ લગાવ્યો છે આક્ષેપ
ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ એકબીજા પર ધર્મ, જાતિ, સમુદાય અને ભાષાના આધારે નફરત અને વિભાજન પેદા કરવાનો આરોપ લગાવ્યો છે. બંને પક્ષોને 29 એપ્રિલના રોજ સવારે 11 વાગ્યા સુધીમાં જવાબ દાખલ કરવા સૂચના આપવામાં આવી છે.
ચૂંટણી પંચે જવાબ આપવા કહ્યું
ચૂંટણી પંચે બંને પક્ષો (ભાજપ-કોંગ્રેસ)ના અધ્યક્ષોને જનપ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 77 હેઠળ જવાબ આપવા કહ્યું છે. તમને જણાવી દઈએ કે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પીએમ મોદી પર આરોપ લગાવ્યો હતો અને બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ રાહુલ ગાંધી પર આચારસંહિતા ભંગનો આરોપ લગાવ્યો હતો.
ચૂંટણી પંચનું કહેવું છે કે રાજકીય પક્ષોએ તેમના ઉમેદવારો, ખાસ કરીને સ્ટાર પ્રચારકોના વર્તનની સંપૂર્ણ જવાબદારી લેવી પડશે. ઉચ્ચ હોદ્દા પર બેઠેલા નેતાઓના ભાષણો ગંભીર પરિણામો લાવી શકે છે.
કોંગ્રેસે આપી પ્રતિક્રિયા
ચૂંટણી પંચ દ્વારા કોંગ્રેસને મોકલવામાં આવેલી નોટિસ પર જયરામ રમેશે કહ્યું કે અમે પંચને ફરિયાદ કરી હતી. ભાજપ જે રીતે ધર્મનો ઉપયોગ કરી રહી છે અથવા તો એમ કહીએ કે તેનો દુરુપયોગ કરી રહી છે. જે એકદમ ચિંતાજનક છે. અમે આ નોટિસનો જવાબ આપીશું.
ચૂંટણી પંચે કેમ મોકલી નોટિસ?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 21 એપ્રિલે રાજસ્થાનના બાંસવાડાની રેલીમાં કહ્યું હતું કે જો કોંગ્રેસની સરકાર સત્તામાં આવશે તો લોકોની સંપત્તિઓ લઈને વધુ બાળકો વાળા અને ઘુસણખોરોમાં વહેંચી દેવામાં આવશે. પીએમ મોદીએ કહ્યું હતું કે, કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં લખ્યું છે કે કોંગ્રેસની સરકાર બન્યા બાદ માતા-બહેનોના સોનાની ગણતરી કરીશું, તેની જાણકારી લઈશું અને પછી વહેંચી દઈશું. પીએમ મોદીની આ ટિપ્પણીને લઈને કોંગ્રેસે ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી. કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આચારસંહિતા ભંગનો આરોપ લગાવ્યો હતો.
ભાજપે રાહુલ ગાંધી વિરુદ્ધ તેમની રેલીઓમાં ભાષા અને શબ્દોના પ્રયોગને લઈને ચૂંટણી પંચમાં ફરિયાદ કરી હતી. ભાજપે આરોપ લગાવ્યો હતો કે રાહુલ ગાંધીએ ભાષાના આધારે તમિલનાડુમાં લોકોમાં ભ્રમ ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. ભાજપના નેતાઓએ દાવો કર્યો હતો કે રાહુલ ગાંધી તેમના ભાષણોમાં ભાષાના આધારે ઉત્તર અને દક્ષિણ ભારતને વિભાજીત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભાજપે પોતાની લેખિત ફરિયાદમાં રાહુલ ગાંધી સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી.
ADVERTISEMENT